ડાકોરમાં 70 કરોડના ખર્ચે બનેલા નવા ફ્લાયઓવર બ્રીજમાં રાત્રે અંધારપટ, આ કારણે વીજ કનેક્શન કપાયું
ઠાસરા તાલુકાના ડાકોરમાં 70 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું વી

ઠાસરા તાલુકાના ડાકોરમાં 70 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું વીજ બિલ બાકી હોવાને કારણે વીજ કનેક્શન કાપી દેવાયુ છે. આર એન્ડ બી વિભાગ અને ડાકોર નગરપાલિકા વચ્ચે 7 લાખ રૂપિયાના વીજ બિલની ચુકવણીને લઈને એકબીજા પર જવાબદારી નાખવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ આ મામલે 5 નોટિસ જારી કરી હતી, જ્યારે આર એન્ડ બી વિભાગે પણ ડાકોર નગરપાલિકાને નોટિસ મોકલી છે.
રાત્રે અકસ્માતનો રહે છે ભય
ઠાસરા તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં 70 કરોડના ખર્ચે બનેલા આ ફ્લાયઓવર બ્રિજ પર રાત્રે લાઇટો બંધ હોવાથી છેલ્લા ઘણા મહિનાઓથી હેવી વાહનો અને નાના ફોર-વ્હીલર વાહનો માટે અકસ્માતનો ભય સતત રહે છે. આ બ્રિજ ખૂબ જ વળાંકવાળો હોવાથી રાત્રે વાહન ચલાવવા વધુ જોખમી બની રહ્યા છે. આથી, સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે ફ્લાયઓવર બ્રિજની લાઇટો ઝડપથી ચાલુ કરવામાં આવે, જેથી અકસ્માતના ભયથી બચી શકાય.
ભાજપ કાર્યાલયનું પણ કાપ્યું હતું વીજ કનેક્શન
જણાવી દઈએ કે, અગાઉ માતરમાં ભાજપના કાર્યાલયનું લાખો રૂપિયાનું વીજ બિલ બાકી હોવાને કારણે વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યું હતું. ડાકોરના આ કેસમાં પણ જવાબદારીની નામંજૂરી અને વહીવટી નિષ્ફળતાને કારણે સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.






