ઝુલતા પુલ દુર્ઘટના: આઠ દીકરીઓના લગ્નનો ખર્ચ ઓરેવા કંપની જ ઉઠાવશે, હાઈકોર્ટનો સખ્ત આદેશ
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે પીડિત પક્ષ તરફથી સીબીઆઇ તપાસની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. બીજી બાજુ, આ કેસમાં હાઈકોર્ટ દ્વારા કોર્ટની સહાય માટે નીમાયેલા બે તટસ્થ અને નિષ્પક્ષ વકીલ એવા કોર્ટ કમિશનર તરફથી પીડિતોને વ્યકિતગત રીતે મળીને તેમની જે વ્યથા કે સમસ્યા હતી તે સહિતની વિગતો સાથેનો બે ભાગમાં વિગતવાર અહેવાલ સીલબંધ કવરમાં હાઈકોર્ટના રેકર્ડ પર રજૂ કરાયો હતો.
દરમ્યાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ઓરેવા કંપનીને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં અસર પામનાર 21 બાળકો છે અને આઠ છોકરીઓ છે, તેથી આઠ છોકરીઓના લગ્નનો ખર્ચ પણ કંપનીએ જ ઉઠાવવો પડે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતો તરફથી CBI તપાસની માંગ
પીડિતો તરફથી અદાલતને જણાવાયું હતું કે, ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાલની તપાસમાં બહુ ગંભીર અને કેટલાક છીંડા રાખવામાં આવ્યા છે. ખાસ કરીને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સહિતના કસૂરવાર લોકો સામે કોઈ પગલાં લેવાયા નથી કે કાયદેસર કાર્યવાહી થઈ નથી. એટલે સુધી કે, તેઓને આ કેસમાં આરોપી પણ બનાવાયા નથી. ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં સાચી હકીકતો બહાર લાવવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી છે. આ સંજોગોમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપાય તે ખૂબ જરૂરી છે.






