કચ્છ: બોરવેલમાં 60 ફૂટ બાકી હતું ત્યારે સાધન તૂટતા ફરી નીચે પટકાઇ યુવતી, રેસ્ક્યુમાં આર્મી પણ જોડાઇ
કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલ

કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં 18 વર્ષની યુવતી પડી ગઇ હતી. 24 કલાક પછી પણ આ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાના પ્રયાસ ચાલુ છે. યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે NDRF-BSF, આર્મી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
60 ફૂટ બાકી હતું ત્યારે ફરી બોરવેલમાં નીચે પટકાઇ યુવતી
મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફૂટ બાકી હતું ત્યારે રેસક્યુ સાધન છટકતા ફરી યુવતી નીચે બોરવેલમાં પટકાઇ હતી.
24 કલાકથી યુવતીને બચાવવાના પ્રયાસ
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવાર વહેલી સવારે કાનજી મીણા નામની ખેત મજૂર યુવતી વાડીના 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઇ હતી. યુવતી અકસ્માતે પડી છે કે આત્મઘાતી પગલું ભર્યું છે તે હજુ બહાર આવ્યું નથી. બીજી તરફ યુવતી બોરવેલમાં ગરકાવ થયાંની ઘટનાની જાણ થતાં જ ભુજ અને ગાંધીધામ ફાયરબ્રિગેડની ટીમો ઉપરાંત NDRFની ટીમોએ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
રાજસ્થાનના પ્રતાપગઢની અને હાલ કાકાઇ ભાઇ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં છેલ્લા છથી આઠ વર્ષથી વાડીમાં રહીને ખેત મજુરીનું કામ કરતી યુવતી સોમવાર વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં નિત્યક્રમ કરવા માટે બહેન સાથે નીકળી હતી. યુવતી ઘરે પરત ના આવતા તપાસ દરમિયાન વાડીમાં આવેલા 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાંથી યુવતીનો બચાવો-બચાવોનો અવાજ સંભળાયો હતો. જેથી યુવતીના ભાઇએ વાડીના માલિકને જાણ કરી હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાધનપુરને જિલ્લો કોને બનવા ના દીધો...? શંકર ચૌધરીના આગમન પહેલા જ વિરોધ
કચ્છમાં આંચકારૂપ ઘટના વાયુવેગે પ્રસરતાં કચ્છ કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી અનિલ યાદવ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, આરોગ્ય અધિકારી સહિતનાઓ સ્થળ પર દોડી આવ્યા હતાં. આ દરમિયાન ગાંધીનગરથી NDRFની ટીમ પણ પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.








