VIDEO: પાવાગઢ: જૈન સમાજના આક્રોશ પછી લેવાયો નિર્ણય, તીર્થંકરોની મૂર્તિઓનું પુન: સ્થાપન થયું શરૂ
યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજા

યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાના આદેશ આપ્યા હતા. તેથી જૈન તીર્થંકરોની મૂર્તિઓનું પુનઃ સ્થાપનનું કામ શરૂ કરાયું છે.
મૂર્તિ વિવાદ મામલે પંચમહાલ ડીએસપીને તપાસ સોંપાઈ
આ મામલે ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. જેની તપાસ પંચમહાલ ડીએસપીને સોંપાઈ છે. આ પહેલા વડોદરા, સુરત અને અમદાવાદમાં જૈન અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને જૈન તીર્થંકરોની મૂર્તિઓનું પુનઃસ્થાપન કરવાની માગ કરી હતી.
જૈન મુનિઓએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
આ ઘટના પછી સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જૈન સાધુ-સંતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરાયું હતું. આ દરમિયાન જિનાગમ રત્ન મહારાજે ચીમકી આપી હતી કે, 'ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહીં. ગુજરાતના જૈન સમાજને હવે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રીની ખાતરી પર વિશ્વાસ નથી. અમને આશ્વાસન ખપે નહીં. પરિણામ આવે પછી અમારી પાસે આવજો.
જાણો શું છે મામલો
પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બંને બાજુ ગોખલામાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. 20 દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરુ કરી હતી. ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે.






