છોટા ઉદેપુર-ઉપલેટામાં દુષ્કર્મની બે અલગ અલગ ઘટનામાં આરોપીઓને 20-20 વર્ષની કેદની સજા
છોટાઉદેપુર જિલ્લામાં ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદ

છોટાઉદેપુર જિલ્લામાં ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી હતી તેમજ ભોગ બનનારને રૃા.૪ લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખાંડીયા અમાદર ગામના સંજય સોનકા રાઠવાએ તા.૨૯ /૦૩/૨૦૨૧ના રોજ એક ગામની ૮ વર્ષની બાળકીને લલચાવીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો, ત્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
પોતાની સાથે બનેલી ઘટના અંગે બાળકીએ તેની માતાને જણાવી હતી. બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી સંજય સોનકા રાઠવાને ઝડપી પાડ્યો હતો. આરોપીને દબોચીને જેલ હવાલે કર્યો હતો.
16 પુરાવા અને 13 સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે નરાધમને ફટકારી આકરી સજા
બનાવ અંગેનો કેસ છોટાઉદેપુર સ્પેશિયલ પોકસો કોર્ટના ન્યાયાધીશ સી.કે.મુન્સીની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. ૧૬ પુરાવાઓ અને ૧૩ સાક્ષીઓની જુબાની આધારે કોર્ટે આરોપીને આકરી સજા ફટકારી છે. કુલ ફટાકારેલી બે સજાઓ એકી સાથે ભોગવવાનો હુકમ કર્યો હતો.
બાળકીને 4 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
ભોગ બનનાર સગીર બાળકીની આથક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભોગ બનનારને વળતર પેટે ચાર લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ઉપલેટામાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારાવામાં આવી
રાજકોટના ઉપલેટામાં દુષ્કર્મ કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુષ્કર્મ અને પોકસો કેસના આરોપીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉપલેટાના ધવલ સુરેશભાઈ કુડેચા નામના વ્યક્તિને ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. જુન 2023 માં બનેલ બનાવમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.








