મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ માધુપુરા સટ્ટાકાંડનો માસ્ટર આઇ.ડી બનાવનાર આરોપી ઝડપાયો, દૂબઇથી અમૃતસર ઉતરતા જ ધરપકડ

અમદાવાદના માધુપુરા સટ્ટાકાંડ મામલે પાર્થ દોશી નામનો આરોપી અમૃતસરથી ઝડપાયો છે.

અમદાવાદ/ માધુપુરા સટ્ટાકાંડનો માસ્ટર આઇ.ડી બનાવનાર આરોપી ઝડપાયો, દૂબઇથી અમૃતસર ઉતરતા જ ધરપકડ

અમદાવાદના માધુપુરા સટ્ટાકાંડ મામલે પાર્થ દોશી નામનો આરોપી અમૃતસરથી ઝડપાયો છે. માધુપુરા સટ્ટાકાંડમાં અનેક ફરાર આરોપીઓ વિરૂદ્ધ સ્ટેટ મોનીટરિંગ સેલે લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી. પાર્થ દોશી ઉર્ફ પોલોની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. દૂબઇથી અમૃતસર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પાર્થ દોશીની ધરપકડ કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે માધુપુરા સટ્ટાકાંડમાં પીઆઇ તરલ ભટ્ટ પણ સજા ભોગવી રહ્યાં છે.

ઓનલાઇન સટ્ટાનો સુપર માસ્ટર આઇ.ડી બનાવનાર આરોપી ઝડપાયો

ઓનલાઇન ક્રિકેટ બેટીંગના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરિંગ સેલ કરી રહ્યું છે. આ ગુનામં અગાઉ પકડાયેલા આરોપી ધવલકુમાર સોમાભાઇ પટેલની પૂછપરછમાં તેને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગના સુપર માસ્ટર આઇ.ડી IGNITE777.COM, AVIEXCH.COM તથા RADHEના પાર્થ કમલેશભાઇ દોશીએ આપેલ હોવાનું અને ઉપરોક્ત ત્રણેય માસ્ટર આઇ.ડી આરોપી ધવલ પટેલે 15% ભાગથી આરોપી જીગ્નેશ નરેશભાઇ પટેલને આપેલ હોવાનું જણાવ્યું હતું. 

ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગના સુપર માસ્ટર આઇ.ડી આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઇ દોશી છેલ્લા ઘણા વર્ષોથી દૂબઇ ખાતે રહીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગની સુપર માસ્ટર આઇ.ડી બનાવી વિવિધ વ્યક્તિઓને પુરી પાડતો હતો. જે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ ગુનામાં નાસતો ફરતો હતો અને તેના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.

આરોપી પાર્થ કમલેશ દોશી દૂબઇથી અમૃતસર પંજાબ ખાતે આવતા તેની વિરૂદ્ધ ઇસ્યુ થયેલ લુકઆઉટ સર્ક્યુલરના આધારે એરપોર્ટ ઓથોરિટી અમૃતસર પંજાબ દ્વારા તેને ડિટેન કરવામાં આવ્યો હતો.મહત્ત્વપૂર્ણ છે કે આ ગુનામાં અત્યાર સુધી કૂલ 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

માધુપુરાનું 2 હજાર કરોડનું સટ્ટાકાંડ 

અમદાવાદના માધુપુરામાં 2 હજાર કરોડનું સટ્ટાકાંડ બહાર આવ્યું હતું.માધુપુરામાં ઝડપાયેલુ આ ગુજરાતનું સૌથી મોટુ સટ્ટા કૌભાંડ છે. ક્રિકેટના તાર દૂબઇ સુધી જોડાયેલા હોવાનું જાણવા મળે છે. માધુપુરા સટ્ટાકાંડમાં સામેલ કેટલાક આરોપીઓ ભારત છોડીને દૂબઇ ભાગી ગયા હતા.

15 હજારમાં ભાડાનાં બેન્ક એકાઉન્ટ

પોલીસે 10 હજાર બેનિફિશિયલ બેંક એકાઉન્ટ શોધ્યા છે. તેમજ 9 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં ફ્રિજ કર્યા છે. અલગ અલગ બેંકના 1500 બેંક એકાઉન્ટ પણ ફ્રિજ કર્યાં છે. પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ રેકેટ આજકાલથી નહીં પરંતુ 2017થી ધમધમતુ હતું. આ ઉપરાંત 481 ભાડાના બેંક એકાઉન્ટ પોલીસને મળ્યાં છે. કેટલાક કિસ્સામાં તો જે વ્યક્તિને બેંક એકાઉન્ટ હોય તેને તો કરોડોના હવાલા પડયાની કોઈ જાણ જ નથી. એક બેંક એકાઉન્ટ ખોલવાનું ભાડુ 10થી 15 હજાર રૂપિયા બુકીઓ આપતા હતાં. તેમજ ગરીબ, બેરોજગાર અને જરૂરિયાતમંદ લોકોને અંધારામાં રાખીને આ બેંક એકાઉન્ટ ભાડે રાખવામાં આવ્યા હતાં.

તરલ ભટ્ટ સામે પણ તપાસ

તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવતા હતા તે સમયે માધુપુરા વિસ્તારમાં 2 હજાર કરોડથી વધારેનું સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક પકડાયું હતું. આ કેસની તપાસ કરી રહેલી વિશેષ ટીમમાં તેમને રાખીને તપાસ કરવામાં આવતી હતી. આ સમયે તરલ ભટ્ટ અને તેમના સ્ટાફની શંકાસ્પદ હરકત અંગે ડીજીપીને જાણ કરવામાં આવી હતી. પુરાવાના આધારે તેમણે સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને તપાસ સોપવામાં આવી હતી. આ તપાસમાં તરલ ભટ્ટે 55 લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાના પુરાવા પણ સામે આવ્યા હતા. તે બાદ તરલ ભટ્ટની બદલી જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઇ તરીકે કરવામાં આવી હતી.

બીજી તરફ માધુપુરા કેસની તપાસનો રિપોર્ટ ડીજીપીને મળતા તેમણે તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત તેમની સાથે અગાઉ પીસીબીમાં ફરજ બજાવતા તુષારદાન ગઢવી, નૌશાદ અલી અને રણજીત સિંહને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો.

આ સમાચાર શેર કરો