મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkotમાં 598 ગામડાંમાં 1.35 લાખ શ્વાનોનો આતંક, ગ્રામીણ જનતા લાચાર

દેશની રાજધાની દિલ્હીમાં શ્વાનોનો આતંક એટલી હદે વધી ગયો છે કે સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડયો છે કે, 'ખૂંખાર

Rajkotમાં  598 ગામડાંમાં 1.35 લાખ શ્વાનોનો આતંક,  ગ્રામીણ જનતા લાચાર

દેશની રાજધાની દિલ્હીમાં શ્વાનોનો આતંક એટલી હદે વધી ગયો છે કે સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડયો છે કે, 'ખૂંખાર શ્વાનોને પકડીને શેલ્ટર હોમમાં કેદ કરી દો.'એ પાટનગરની સમસ્યા સર્વોચ્ચ અદાલતે સાંભળી છે પણ રાજકોટ જિલ્લાની ગ્રામીણ જનતા લાચાર છે. અહીં 11 તાલુકાના 598 ગામડાંમાં 1.35 લાખ શ્વાનોનો આતંક વધતો જ જાય છે, પણ ગ્રામીણ જનતા લાચાર છે.

રાજકોટ જિલ્લા પંચાયતનાં વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરીયાએ આજે પશુપાલન નાયબ નિયામક (પંચાયત)ને ફરિયાદ કરીને આક્રોશ ઠાલવ્યો કે, રાજકોટ જિલ્લામાં દિવસે ને રાત્રે ખૂંખાર શ્વાનનો ત્રાસ વધવા લાગ્યો છે. છેલ્લે 20મી પશુધન વસ્તી ગણતરી અનુસાર રાજકોટ જિલ્લામાં 67,422 શ્વાનો હતા, જે સંખ્યા આજે છ વર્ષમાં બમણી વધીને અંદાજે 1.35 લાખ સુધી પહોંચી ગઈ છે. આજે દરેક ગામમાં અને સીમ-વાડી વિસ્તારમાં મળીને 200થી 250 જેટલા શ્વાનો છે. જે વારંવાર લોકો પર હુમલા કરીને કરડી જાય છે. જેમાં મોટાભાગે બાળકો અને બાઈક-સ્કૂટરચાલકો નિશાન બને છે. એકલા ચાલ્યા જતાં વૃધ્ધો પણ સલામત નથી. હમણાંની જ વાત કરીએ તો જસદણના રાજાવડલા-ભાડલા ગામે 12 લોકોને હડકાયા શ્વાને બચકાં ભરી લીધા હતા. આ પહેલા પણ અહીં ખૂંખાર શ્વાનોએ 20-25 પશુઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 

તેમણે વધુમાં આક્રોશ ઠાલવ્યો છે કે, રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા શ્વાનોની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી. થોડા દિવસો પહેલા ભાડલા ગ્રામ્ય વિસ્તારમાં 12 લોકોને કૂતરૂં કરડયું ત્યારે આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જતાં હડકવા વિરોધી ઈન્જેક્શન નહોતા એટલે બધા લોકોને જસદણ અને રાજકોટ મોકલી દેવામાં આવ્યા હતા. એવી જ હાલત રાજકોટ જિલ્લાના તમામ ગામડાંની છે. એ તો ઠીક પશુપાલન વિભાગ દ્વારા પણ શ્વાનોને હડકવા કે અન્ય ખરજવા જેવી બિમારી-રોગનું રસીકરણ કરવામાં આવતું નથી, જેથી શ્વાનો વધુ ખૂંખાર બની રહ્યાનો પણ અંતમાં આક્ષેપ કરીને વહેલીતકે યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો