શિક્ષક ભાડે મળશે! મુખ્ય શિક્ષક ગેરહાજર અને બનાવટી શિક્ષક હાજર, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના
બનાસકાંઠાના અંબાજીની ઘટના બાદ ખેડા જિલ્લાના કપડવંજમાં શિક્ષકની લાલિયાવાડી બહાર

બનાસકાંઠાના અંબાજીની ઘટના બાદ ખેડા જિલ્લાના કપડવંજમાં શિક્ષકની લાલિયાવાડી બહાર આવી છે. કપડવંજના આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવી છે.
ખેડા જિલ્લાના કપડવંજની વાટા શિવપૂરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક આશિષકુમાર ડાહ્યાભાઈ પટેલ ગેરહાજર હતા. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી હાજર રાખવાની ઘટના સામે આવી છે. રૂ. 80 હજાર કરતા વધુ પગાર ધરાવતા મુખ્ય શિક્ષકના સ્થાને અન્ય બનાવટી શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું છે.
ટીવી રિપોર્ટરના કેમેરાને જોઈને બનાવતી શિક્ષક વિજયે ચાલતી પકડી હતી. જો કે આ મામલે હજુ શિક્ષણ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
શિક્ષક અમેરિકામાં અને નોકરી અંબાજીમાં
ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી નજીકની પાન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વિદેશમાં સ્થાયી પણ હજી ફરજ પર શાળામાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે.
ભાવનાબેન નામના શિક્ષિકા પાન્છા પ્રાથમિક શાળામાં ફરજના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો છે. વર્ષોથી ભાવનાબેન નામના શિક્ષિકા વિદેશમાં રહે છે, તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે. ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા પાન્છા પ્રાથમિક શાળામાં ન તો હાજર થઈ રહ્યા છે ન તો રાજીનામુ મૂકી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સામે ખિલવાડ કરતો કિસ્સો સામે આવ્યો છે.
પાન્છા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલબેન કહ્યું કે, ‘શિક્ષણ વિભાગને અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિત અરજી કરી છે છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.
ગુજરાતનું શિક્ષણ વિભાગ ધોર નિંદ્રામાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે, ‘જે બેન 8 મહિનાથી ગેરહાજર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેરહાજરી દરમ્યાન કોઈપણ પગાર ચૂકવવામાં આવ્યો નથી.’








