વલસાડ નજીક નેશનલ હાઈ વે પર એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટયું, ગેસ લિકેજ થતાં મચી દોડધામ
વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટી મા

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. જેથી સતત ધમધમતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ઘટનાને કારણે હાઇ વે પર દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટેન્કર હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત
વહેલી સવારે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ધરમપુર ચોકડીના પુલ પરથી એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. અચાનક જ ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર બેકાબૂ બની અને હાઇવે પુલ પર જ પલટી મારી ગયું હતું. ટેન્કરમાં એમોનિયા ગેસ ભરેલો હતો. પલટી મારતા જ ટેન્કરમાંથી ગેસ લીકેજની શરૂઆત થઈ હતી. આથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ટેન્કરને ખસેડાયું
બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ અને વલસાડ પોલીસ ટીમ પણ સ્થળ પહોંચી હતી.જોકે એમોનિયા ગેસ લીકેજ થઈ રહ્યો હોવાથી સલામતીના ભાગરૂપે આસપાસના લોકોને દૂર કર્યા હતા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે થોડા સમય સુધી બંધ કરાયો હતો. પુલ પર જ પલટી મારી ગયેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ બંધ કરવા સહિત ટેન્કરને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં ટેન્કર ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો..








