T20 World Cup 2026: કોલંબોમાં ભારતનો વિજયધ્વજ, પાકિસ્તાનને 61 રને હરાવતા સુરતમાં ફટાકડાની આતશબાજીનો VIDEO
VIDEO શ્રીલંકાના કોલંબોમાં રમાયેલી T

VIDEO શ્રીલંકાના કોલંબોમાં રમાયેલી T20 વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 61 રને પરાજય આપી ભવ્ય જીત મેળવી છે. આ જીતના સમાચાર મળતા જ ડાયમંડ સિટી સુરતમાં રવિવારની રાત્રિ ઉત્સવમાં ફેરવાઈ ગઈ હતી. સુરતના ઐતિહાસિક ભાગળ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જીતનો જશ્ન મનાવ્યો હતો.
મેચનો રોમાંચ: ભારતનો દબદબો
કોલંબોમાં રમાયેલી આ મહત્વની મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની શાન ઠેકાણે લાવી દીધી હતી. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી અને અંતે ભારતનો 61 રને શાનદાર વિજય થયો હતો.
સુરતીલાલાઓનો અનોખો અંદાજ
જીતની જાહેરાત થતા જ સુરતના ભાગળ ચાર રસ્તા પાસે સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. હાથમાં તિરંગો લહેરાવી, "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્"ના નાદ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સુરતીલાલાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. રવિવારની રાત્રે લોકોના ઉત્સાહને જોતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. મોડી રાત સુધી સુરતના માર્ગો પર વિજય રેલીઓ નીકળતી જોવા મળી હતી.





