ખેડા: ખાખરીયા ગામના અઢી વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો, હાલ સારવાર હેઠળ
ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરા રોગચાળાએ માથું ઉચક્યું છે. અગાઉ કપડવંજ, મહેમદાવા

ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરા રોગચાળાએ માથું ઉચક્યું છે. અગાઉ કપડવંજ, મહેમદાવાદ, ગળતેશ્વર પંથકમાંથી કુલ છ કેસ સામે આવ્યા હતા. જે પૈકી મહેમદાવાદ પંથકમાં એક બાળકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. સોમવારે ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં અઢી વર્ષના બાળકને ચાંદીપુરા રોગના લક્ષણો દેખાતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી.
અઢી વર્ષના બાળકમાં ચાંદીપુરા રોગના લક્ષણો
ખાખરીયા ગામે સોમવારે અઢી વર્ષના બાળકમાં ચાંદીપુરા રોગના લક્ષણો દેખાતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૬ બાળ દર્દીઓ નોંધાયા છે, જે પૈકી એકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું.
ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં દવાનો છંટકાવ, ફોગિંગ સહિત સર્વેની કામગીરી
આરોગ્ય વિભાગે કુલ ૫૦૦ વ્યક્તિઓને ફીલ્ડ પર પહોંચી તકેદારીના ભાગરૂપે વિવિધ કામગીરીની સોંપણી કરી છે. ટીમ દ્વારા તાલુકા મથકોએ અને ખાસ ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં દવાનો છંટકાવ, ફોગિંગ સહિત સર્વેની કામગીરી હાથ ધરી છે. આ અંગે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જો કોઈ બાળકને સખત તાવ આવે, ઝાડા ઉલટી થાય અને ખેંચ આવવી, અર્ધ બેભાન કે બેભાન થાય તો તેને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવા અપીલ કરાઈ હતી.
એન્સેફીલાઇટીસ નામના તાવના લક્ષણો બાળકોને પ્રારંભિક તબક્કામાં જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવવી જોઈએ અને જરૂરી રિપોર્ટ કરાવવા જોઇએ તેમ વધુમાં જણાવ્યું હતું. તેમજ આ વાયરસનો ફેલાવો મચ્છર તથા સેન્ડફલાઇ એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતો હોય છે. જે માટે માખીનો નાશ કરવો જરૂરી હોવાથી ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવાઉજાસ (સૂર્યપ્રકાશ આવે) તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.






