સાયલા અને થાનગઢમાં ગેરકાયદે કાર્બોસેલ ખોદકામ કરતા 37 કુવાઓ પર દરોડો; 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયલા અને થાનગઢ વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલ ખોદકામ કરતા કુલ 37 કુવાઓ મળી આવ્યા છે. કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા કુલ રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ચોટીલા DYSP ટીમની કાર્યવાહી
સાયલાના ચોરવીરા ગામે દરોડો પાડી 11 ગેરકાયદે કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. અહીંથી રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારબાદ ચોટીલા DYSPની ટીમે ખાખરાળી ગામે કાર્યવાહી કરી હતી, જ્યાંથી 7 કુવાઓ મળી આવ્યા હતા અને રૂ.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ખનીજ માફિયાઓ ફરી સક્રિય થયાની ચર્ચા
થાનગઢના ત્રણ ટીંબા વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી 20 ગેરકાયદે કુવાઓ મળી આવ્યા હતા અને રૂ.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આમ, ત્રણેય સ્થળેથી કુલ 37 કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી બાદ ખનીજ ચોરી સાથે સંકળાયેલા અનેક શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની બદલી બાદ ફરી ખનીજ માફિયાઓ સક્રિય થયાની ચર્ચા વચ્ચે તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

