ચોટીલા પોલીસના હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, જામીન માટે માંગ્યા હતા પૈસા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને રૂ.27 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસકર્મી દ્વારા જુગારના કેસમાં આરોપીઓને જામીન અપાવવા માટે લાંચની માંગ કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે ACBએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
ડી-સ્ટાફ ઓફિસના દરવાજા સામે છટકું ગોઠવ્યું
પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદીના ગામના કેટલાક લોકો સામે જુગારનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં તેમના જામીન કરાવવા માટે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જાગાભાઈ જીડિયાએ રૂ.27 હજારની લાંચ માંગી હોવાની ફરિયાદ ACBને મળી હતી. ફરિયાદના આધારે રાજકોટ ACB એકમના ફિલ્ડ PI આર.કે. સોલંકીની આગેવાની હેઠળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. ACBની ટીમે ચોટીલા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પાછળ આવેલા ડી-સ્ટાફ ઓફિસના દરવાજા સામે છટકું ગોઠવ્યું હતું.
લાંચની રકમ રિકવર કરાઈ
નક્કી કરેલી લાંચની રકમ રૂ.27 હજાર સ્વીકારતા જ ACBની ટીમે હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જાગાભાઈ જીડિયાને ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે. આ સમગ્ર ટ્રેપ બાદ ACB દ્વારા આરોપી પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા જ લાંચ લેવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

