Surendranagar/ વીજ બિલ બાકી છે? સાવધાન! PGVCL એ એક જ દિવસમાં 1000થી વધુ કનેક્શન કપાયા
ઝાલવાડ પંથકમાં વીજ બિલ ભરપાઈ ન કરનારા ગ્રાહકો સામે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) એ લાલ આંખ કરી છે. જિલ્લામાં કુલ 151 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું વીજ બિલ બાકી હોવાથી તંત્ર દ્વારા કડક વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને પગલે વીજચોરો અને બિલ બાકી રાખનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
257 ટીમોનું જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન
PGVCL દ્વારા આ મિશનને સફળ બનાવવા માટે આયોજનબદ્ધ રીતે 257 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં ધામા નાખ્યા છે. રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમોમાં જ્યાં પણ લાંબા સમયથી બિલ બાકી છે, ત્યાં કોઈ પણ શેહશરમ રાખ્યા વિના કનેક્શન કાપવાની સૂચના આપવામાં આવી છે.
બીજા દિવસની કામગીરીના આંકડા
ઝુંબેશના બીજા દિવસે પીજીવીસીએલની ટીમોએ આક્રમક કાર્યવાહી કરી હતી:
કનેક્શન કટ: બીજા દિવસે કુલ 1,031 વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા.
રિકવરી: અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કુલ 4.51 કરોડ રૂપિયાની રિકવરી વસૂલ કરવામાં આવી છે.
કનેક્શન ધારકોમાં ફફડાટ
પીજીવીસીએલની આ આકરી કાર્યવાહીના કારણે મોટા બાકીદારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જ્યાં સુધી 151 કરોડની પૂરેપૂરી ઉઘરાણી નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ અટકશે નહીં. વીજ કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે કનેક્શન કપાવાની અગવડતાથી બચવા માટે તાત્કાલિક ધોરણે બાકી બિલની ચુકવણી કરી દેવી.

