સ્માર્ટ સ્ક્રીનના યુગમાં વિન્ટેજ કલેક્શન: સુરતના ધવલભાઈ પાસે છે 60 વર્ષ જૂના ટેલિવિઝનનો અનોખો ખજાનો

આજના આધુનિક યુગમાં જ્યારે લોકોના ઘરમાં મોટા સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવી અને હાથમાં રહેલા સ્માર્ટફોન પર મનોરંજનની દુનિયા સિમિત થઈ ગઈ છે, ત્યારે સુરતના એક સંગ્રહપ્રેમીએ વીતેલા જમાનાની યાદોને અનોખી રીતે સાચવી રાખી છે. 21 નવેમ્બર એટલે કે 'વિશ્વ ટેલિવિઝન દિવસ' નિમિત્તે સુરતના ધવલ ભંડારીનો જૂના ટેલિવિઝનનો અદભુત સંગ્રહ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
1960થી 1985ના દાયકાના 1થી 8 ઈંચના જૂના ટીવીનો અનોખો સંગ્રહ
વેપાર, હીરા ઉદ્યોગ અને જીવંત સંસ્કૃતિ માટે જાણીતા સુરત શહેરમાં વસતા ધવલ ભંડારીને બાળપણથી જ ટીવી જોવાનો અને તેના વિવિધ મોડલ વિશે જાણવાનો અનોખો શોખ રહ્યો છે. આ જ શોખને કારણે તેમણે વર્ષ 1960થી 1985ના દાયકા દરમિયાનના વિવિધ કદના અનેક જૂના ટેલિવિઝનનો ખજાનો એકત્ર કર્યો છે. તેમના આ ખાસ સંગ્રહમાં માત્ર 1 ઈંચના નાનકડા પોકેટ ટીવીથી લઈને 8 ઈંચ સુધીના વિવિધ વિન્ટેજ મોડલના ટેલિવિઝનનો સમાવેશ થાય છે.
જૂના સમયની યાદો સાથે ટેક્નોલોજીના વિકાસની સફર
ધવલભાઈનો આ સંગ્રહ માત્ર ઈલેક્ટ્રોનિક ઉપકરણો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ટેક્નોલોજીમાં આવેલા બદલાવ અને જૂની યાદોનો ઈતિહાસ પણ સમાયેલો છે. ધવલભાઈના જણાવ્યા મુજબ, આજના સ્માર્ટ ટીવીની સરખામણીએ જૂના ટીવીની ટેક્નોલોજી અને બનાવટમાં મોટો તફાવત જોવા મળે છે. આ પ્રકારના જૂના ટેલિવિઝનને સાચવી રાખવા માટે ઘણો સમય, જગ્યા અને વિશેષ કાળજીની જરૂર પડે છે.
આજે જ્યારે દરેક વસ્તુ આંગળીના ટેરવે સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે, ત્યારે 1 ઈંચથી 8 ઈંચના આ જૂના ટેલિવિઝન જોવાનું આકર્ષણ સીધું જ જૂના સમયની મીઠી યાદો સાથે જોડાયેલું છે. ધવલભાઈનો આ અનોખો સંગ્રહ જૂના સમયની યાદોને જીવંત રાખવાની સાથે ટેક્નોલોજીના વિકાસની સફર પણ દર્શાવે છે.












