VIDEO: Suratમાં ભાડુઆતનું રજીસ્ટ્રેશન ન કરાવાતા મુશ્કેલી, 15 મકાન માલિકને પોલીસ સ્ટેશનનું તેડું
સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડે આપેલા મકાનના રજીસ્ટ્રેશન અંગે ગંભીરતા દાખવતા પોલીસ તંત્રએ તાકીદે કાર્યવાહી શરૂ કરી છે. ડીંડોલી પોલીસે ત્રણ અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
આરોપીઓની ઓળખ મુશ્કેલ બની
તપાસ દરમિયાન પોલીસને એ શોધવામાં સફળતા મળી કે 15 જેટલા મકાનમાલિકોએ પોતાના ભાડુઆતના રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યાં નહોતા. આવા કેસોમાં ઘણીવાર અસામાજિક તત્વો બહારના રાજ્યોમાંથી આવીને મકાનો ભાડે લઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવે છે, અને રજીસ્ટ્રેશન ન હોવાથી પોલીસ માટે આરોપીઓને ઓળખવી મુશ્કેલ બની જાય છે.
બેદરકારી દાખવનાર સામે પગલાં
વિશેષરૂપે, સુરતના સચિન વિસ્તારમાં થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં આરોપીઓએ ભાડે મકાન લઈને ગુના અંજામ આપ્યો હતો. પરંતુ મકાનમાલિકે તેમની ઓળખ અને આધાર પુરાવાનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોવાથી આરોપીઓ ઝડપાઈ શક્યા નહોતા.આ ઘટના બાદ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને હવે આ પ્રકારની બેદરકારી રાખનારા મકાનમાલિકો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુરત પોલીસ દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ભાડુઆતનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન અવશ્ય કરાવે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.

