Surat: ONGCમાં નોકરી અપાવવાના નામે રૂ. 17 લાખની ઠગાઈ કરનાર દંપતી ઝડપાયું

સુરતમાં નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઈ કરવાના એક ગંભીર કેસમાં કતારગામ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ONGC કંપનીમાં નોકરી અપાવવાના બહાને ₹17,80,000/- થી વધુ રકમ પડાવી લેનાર એક ઠગ દંપતીની ધરપકડ કરી છે.
નોકરીની લાલચ:
આરોપી દંપતી નિર્મળ ધાનાણી અને કિંજલબેન ધાનાણી નોકરી વાંચ્છુકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ ONGC કંપનીમાં 'જુનિયર એન્જિનિયર'ની પોસ્ટ ખાલી હોવાનું જણાવીને લોકોને વિશ્વાસમાં લેતા હતા. આ દંપતીએ ભોગ બનનાર પાસેથી ₹17,80,000/- થી વધુ રૂપિયા પડાવી લીધા હતા. વિશ્વાસ જાળવી રાખવા માટે, આરોપીઓએ ભોગ બનનારને ખોટા ઓફર લેટર બનાવીને પણ મોકલ્યા હતા.
લાંબો સમય વીતી ગયા છતાં જ્યારે નોકરી ન મળી અને પૈસા પરત ન મળ્યા, ત્યારે ભોગ બનનારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એક મહિના બાદ ધરપકડ
કતારગામ પોલીસે ફરિયાદ નોંધાયાના લગભગ એક મહિના બાદ આ ઠગ દંપતીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પોલીસે નિર્મળ ધાનાણી અને કિંજલબેન ધાનાણીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસને એવી આશંકા છે કે આ દંપતીએ ONGCમાં નોકરી અપાવવાના નામે અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવ્યા હોઈ શકે છે. પોલીસ હવે દંપતીના ઠગાઈના નેટવર્ક અને અન્ય ભોગ બનનારાઓ વિશે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

