સુમુલ ડેરીએ પણ આજથી દૂધના ભાવ લિટરે રૂ.1 થી 6 સુધી વધાર્યા

સુમુલ ડેરીએ પણ આજથી દૂધના ભાવ લિટરે રૂ.1 થી 6 સુધી વધાર્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા પર વધુ એક આર્થિક ફટકો પડ્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવ વધારા બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો ઝિંક્યો છે. જેને પગલે સુરત અને તાપી જિલ્લાના લોકો પર બોજ વધવાનો છે. ડેરી દ્વારા દૂધની વિવિધ વેરાયટી અને પેકિંગ સાઈઝ પ્રમાણે રૂ. 1 થી રૂ. 6 સુધીનો ભાવનો ડામ આપવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજથી એટલે કે 19 નવેમ્બરથી જ અમલી બન્યો છે.

ભેંસનું દૂધ વાપરતા ગ્રાહકોને મોટો ફટકો

ડેરીના આ નિર્ણયની સૌથી વધુ અસર ભેંસના દૂધનો ઉપયોગ કરતા ગ્રાહકોને થવાનો છે. બફેલો મિલ્ક (ભેંસનું દૂધ)ના 1 લિટરના પેકેટમાં રૂ. 6નો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે તે રૂ. 78ની જગ્યાએ રૂ. 84માં પડશે. આ સિવાય સૌથી વધુ વેચાતા અમૂલ ગોલ્ડના 1 લિટરના પેકેટમાં રૂ. 4નો વધારો થતા હવે ગ્રાહકોએ રૂ. 72ના બદલે રૂ. 76 ચૂકવવા પડશે, જ્યારે 500 mlનું પેકેટ રૂ. 36થી વધી રૂ. 38 થયું છે.

જાહેરાત

અન્ય દૂધ વેરાયટીના નવા દર

અન્ય વેરાયટીના ભાવ જોવામાં આવે તો, અમૂલ તાઝાના 500 mlના પેકેટ પર રૂ. 2ના વધારાથી તે હવે રૂ. 28ના બદલે રૂ. 30માં પડશે. અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના 500 mlના પેકેટમાં રૂ. 1ના વધારાથી તે હલે રૂ. 36ના બદલે રૂ. 27માં પડશે. આ સાથે 180 mlના પેકેટમાં રૂ. 1ના વધારાથી તે રૂ. 10ના બદલે હવે રૂ. 11માં પડશે. આ જ રીતે અમૂલ શક્તિના 500 mlમાં રૂ. 1ના વધારાથી તે રૂ. 33ના બદલે રૂ. 34માં પડશે અને સુમુલ ગાયના દૂધના 500 mlના પેકેટ પર રૂ. 2ના વધારાથી તે હવે રૂ. 30ના બદલે રૂ. 32માં પડશે.

સુરત અને તાપી જિલ્લાના લાખો લોકોના બજેટ પર પડશે અસર

સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા આશરે દરરોજ 12.50 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે આ ભાવ વધારો માત્ર ગણતરીના લોકો પર નહીં પરંતુ લાખો લોકો પરિવારના આર્થિક બજેટ પર અસર કરશે.

આજથી અમલી આ ભાવ વધારો ગૃહિણીઓનું બજેટ બગાડશે

મહત્વનું છે કે, દૂધ એ અત્યંત જીવનજરૂરી વસ્તુ છે. સવારના નાસ્તાથી લઈને રસોડાના વિવિધ ઉપયોગમાં દૂધના વપરાશના કારણે આ ભાવ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખશે. આ ભાવ વધારાના કારણે સામાન્ય જનતાએ રોજિંદા દૂધવપરાશ પર કામ મુકવો પડી શકે છે. ડેરી દ્વારા લાગુ કરાયેલો આ ભાવ વધારો આજથી એટલે કે 19 નવેમ્બરથી લાગુ થશે.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત