Surat News: મિત્રો સાથેની મસ્તી પડી ભારે, કાતર છાતીમાં ઘુસી જતાં યુવકને કરાયો હોસ્પિટલમાં દાખલ

મિત્રો સાથેની મસ્તી મજાક ક્યારેક સજારૂપ બની જતી હોવાના કિસ્સા સામે આવતાં હોય છે. ત્યારે સુરત સિવિલમાં એક યુવકને છાતીમાં કાતર સાથે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકની છાતીમાંથી કાતર બહાર કાઢીને તેને સ્વસ્થ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર દુર્ઘટના મિત્રો વચ્ચેની મસ્તીમાં થઈ હતી. જેમાં એકનો પગ લપસતા હાથમાં રહેલી કાતર તેની છાતીમાં ઘુસી ગઈ હતી.
પગ લપસતાં છાતીમાં કાતર ઘુસી
ઉત્તર પ્રદેશનો વતની અખિલ સલીમ ખાન સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે. તે સિલાઈના કામ સાથે સંકળાયેલો છે. અખિલ તેના કારીગર મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. તે દરમિયાન કાતરથી કાપડનું કટિંગ કરી રહ્યો હતો. અચાનક તેનો પગ લપસ્યો અને તે નીચે પડ્યો. તે દરમિયાન તેના હાથમાં રહેલી કાતર સીધી તેની છાતીમાં ઘૂસી ગઈ હતી.
3 ટાંકા આવ્યા
છાતીમાં કાતર ઘુસી જતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાં જ હાજર તબીબો અને સ્ટાફના લોકો યુવકની છાતીમાં ઘૂસેલી કાતરને જોઈને ચોંકી ગયા હતા. તબીબોએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને ત્વરિત કાર્યવાહી કરી હતી. તેઓએ યુવકની છાતીમાંથી કાતર બહાર કાઢી અને તેનું જીવન બચાવી લીધું હતું. છાતીમાં ત્રણથી વધુ ટાંકા લેવામાં આવ્યા છે.

