Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Distinction of murder of builder Faisal Fatta solved in Surat, 4 accused arrested

સુરતમાં બિલ્ડર ફૈસલ ફટ્ટાની હત્યાનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયા; સોપારી અપાઈ હોવાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સુરતમાં બિલ્ડર ફૈસલ ફટ્ટાની હત્યાનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયા; સોપારી અપાઈ હોવાની આશંકા
સોર્સ : gstv

સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર જાણીતા બિલ્ડર ફૈસલ ઉર્ફે માંજરા ફટ્ટાની થયેલી ઘાતકી હત્યા મામલે ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ચોક બજાર પોલીસે બે અને ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા છે.

App Store

ચાર આરોપીઓ પકડાયા

પોલીસના જણાવ્યા મુજબ, બે મોપેડ પર આવેલા ચાર શખ્સોએ બિલ્ડર ફૈસલનો પીછો કર્યો હતો. ત્યારબાદ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર તેમને આંતરીને ચપ્પુના 19 ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ ચારેય આરોપીઓ મોપેડ પર રોંગ સાઇડથી પંડોળ તરફ ફરાર થઈ ગયા હતા. આ કેસમાં પોલીસે અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘુંઘરૂં રાજેન્દ્ર દેવરે, કૈસરઅલી આબીદઅલી સૈયદ, વસીમ ઉર્ફે વસીયો મોઇન શેખ અને ગોકુલ સંતોષ જાદવની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓએ ભેગા મળી ફૈસલ ઝકરિયા હસન ફટ્ટાની હત્યા કરી હતી.

સોપારી અપાઈ હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ મોટા નાણાકીય વ્યવહારને લઈને સોપારી અપાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, વોન્ટેડ આરોપી મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલે હત્યા માટે રૂ.10 લાખની સોપારી આપી હોવાની માહિતી સામે આવી છે. હત્યાના આશરે એક અઠવાડિયા પહેલાં આરોપીઓએ એડવાન્સ પેટે રૂ.1 લાખ લીધા હતા અને ત્યારબાદ મૃતકની રેકી કરવામાં આવી હતી.

રેકી કર્યા બાદ યોગ્ય તક જોઈને આરોપીઓએ બ્રિજ પર ફૈસલને આંતરી ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મુખ્ય વોન્ટેડ આરોપી મુબારક ઉર્ફે મુબોની ધરપકડ બાદ હત્યા પાછળનું સાચું કારણ અને સમગ્ર કાવતરાની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

પોલીસે ઝડપેલા ચારેય આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં પકડાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને મુખ્ય વોન્ટેડ આરોપી મુબારકને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.