Surat/ મોટા વરાછામાં ગિફ્ટ શોપની આડમાં ચાલતું ચાઈનીઝ દોરીનું નેટવર્ક ઝડપાયું, બેની ધરપકડ

સુરત: ઉતરાયણના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સક્રિય થયા છે. જોકે, સુરત પોલીસ પણ આવા તત્વોને ડામવા માટે એક્શન મોડમાં છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઉત્રાણ પોલીસે બાતમીના આધારે રેડ કરી પ્રાણઘાતક ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે.
ગિફ્ટ શોપની આડમાં ચાલતું હતું વેચાણ
મળતી માહિતી મુજબ, મોટા વરાછાના સુદામા ચોક પાસે આવેલી 'કૃષ્ણઃ વોચ એન્ડ ગિફ્ટ' નામની દુકાનમાં ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલના વેચાણની આડમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચવામાં આવતી હતી. ઉત્રાણ પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે અહીં ગુપ્ત રીતે પ્રતિબંધિત દોરીનો સ્ટોક રાખવામાં આવ્યો છે.
89 હજારનો મુદ્દામાલ જપ્ત
પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા દુકાનમાંથી ચાઈનીઝ દોરીના કુલ 89 બોબીન મળી આવ્યા હતા. બજાર કિંમત મુજબ આ મુદ્દામાલની કિંમત અંદાજે ₹89,000 જેટલી થાય છે. પોલીસે આ તમામ જથ્થો કબ્જે કર્યો છે અને વેચાણ સાથે સંકળાયેલા બે શખ્સોની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકો માટે પ્રાણઘાતક છે આ દોરી
ચાઈનીઝ દોરી પક્ષીઓ અને રાહદારીઓ માટે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થતી હોય છે. દર વર્ષે અનેક લોકો આ દોરીના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અથવા જીવ ગુમાવે છે. સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પ્રતિબંધિત દોરીનો ઉપયોગ ન કરવો અને વેચાણ કરતા લોકો વિશે પોલીસને જાણ કરવી.
હાલમાં ઉત્રાણ પોલીસે પકડાયેલા બંને યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સામેલ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

