સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતા: ચીનના પગલાંથી લેબગ્રોન રફ હીરા 10% મોંઘા, ઉત્પાદન ખર્ચ વધશે

સુરતના હીરા ઉદ્યોગ માટે ચીનથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લેબગ્રોન ડાયમંડના રફ સપ્લાય કરતી ચીનની બે મોટી કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત કરી છે. લિઆન ડાયમંડ અને ઝોંગનાન ડાયમંડ દ્વારા રફ હીરાના ભાવમાં વધારો કરવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગકારોની પડતર કિંમત વધવાની ભીતિ છે. આ ભાવ વધારાની અસર આગામી સમયમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ પર પણ જોવા મળી શકે છે.
ચીનની બે કંપનીઓએ ભાવ વધાર્યો
સુરત નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડના કટિંગ અને પોલિશિંગનું પણ મોટું કેન્દ્ર છે. સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે ચીનની લિઆન ડાયમંડ (હેનાન) અને ઝોંગનાન ડાયમંડ કંપની દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. લિઆન ડાયમંડ કંપનીએ 1 નવેમ્બર, 2026થી રફ લેબગ્રોન ડાયમંડના વર્તમાન ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે. જ્યારે ઝોંગનાન ડાયમંડ કંપનીએ રફ હીરાના ભાવમાં કોઈ ચોક્કસ ટકાવારી નક્કી કર્યા વગર મૂળ ભાવના આધારે યોગ્ય પ્રમાણમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
ઉત્પાદન ખર્ચ વધતાં ભાવમાં વધારો
બંને કંપનીઓએ રો-મટિરિયલ્સ અને કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાનું ભાવ વધારા પાછળનું કારણ દર્શાવ્યું છે. આ વધારાને કારણે સુરતના હીરા વેપારીઓ માટે લેબગ્રોન રફની ખરીદી વધુ મોંઘી બનશે. સુરતના ઉદ્યોગકારોના મત મુજબ, રફ હીરાના ભાવમાં વધારો થતાં તેની પડતર કિંમત વધશે. આ ઉપરાંત, આગામી સમયમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં પણ આ વધારાની અસર જોવા મળી શકે છે. ચીનની કંપનીઓના આ નિર્ણયથી સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં ખર્ચનું દબાણ વધવાની શક્યતા છે.











