VIDEO: સુરત પોલીસનું સ્પેશિયલ ઓપરેશન: 10 નાપાસ ડૉક્ટર ગંભીર બીમારીઓની કરતો હતો સારવાર
VIDEO: જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડૉક્ટરો વિરુદ્ધ સુરત શહેર પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનરના આદેશ અનુસાર હાલમાં શહેરભરમાં 'નકલી ડોક્ટર હટાવો' અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત સચિન પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વાંઝ ગામમાં ધોરણ 10 નાપાસ એક શખ્સ વર્ષોથી એલોપેથિક ડોક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.
બાતમી અને દરોડાની કાર્યવાહી
સચિન પોલીસ મથકના અધિકારીઓને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, વાંઝ ગામમાં આવેલા આકાશ કોમ્પ્લેક્સના રૂમ નંબર 1માં 'આશા ક્લિનિક' નામે એક દવાખાનું ધમધમી રહ્યું છે. આ ક્લિનિકમાં કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. બાતમીના આધારે સચિન પોલીસે સ્થાનિક આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરોની ટીમ સાથે રાખી ઓચિંતો દરોડો પાડ્યો હતો.
શૈક્ષણિક લાયકાત જાણી પોલીસ પણ ચોંકી
દરોડા દરમિયાન ક્લિનિકમાં હાજર સંજીત નિલકોમલ વિશ્વાસ (ઉં.વ. 40) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે જ્યારે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેના જરૂરી લાયકાતના પ્રમાણપત્રો અને રજિસ્ટ્રેશનની માગણી કરી, ત્યારે તેની પાસે એક પણ કાયદેસરનો કાગળ નહોતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આ કથિત ડોક્ટર માત્ર ધોરણ 10 સુધી ભણેલો છે અને તેમાં પણ તે નાપાસ થયો હતો.
ગંભીર બીમારીઓની કરતો હતો સારવાર
આ નકલી ડોક્ટર મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાનો વતની છે. તે છેલ્લા કેટલાક સમયથી અહીં ક્લિનિક ખોલીને આધુનિક મેડિકલ સાધનો અને એલોપેથિક દવાઓ વડે ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસને સ્થળ પરથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો મળી આવ્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સચિન પોલીસે આ શખ્સ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

