Suratમાં 4 વર્ષની બાળકીના અપહરણ કેસમાં આરોપીની ધરપકડ, પોલીસની 10 ટીમોની પ્રશંસનીય કામગીરી

સુરતના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં ચાર વર્ષની માસુમ બાળકીના અપહરણ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અપહરણ બાદ 24 કલાક પછી માતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે અમરોલી પોલીસ, ડીસીપી ઝોન-5ની ટીમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 5 PI, 9 PSI અને 110થી વધુ પોલીસ કર્મીઓ સહિત કુલ 10 જેટલી ટીમોને બાળકીની શોધમાં લગાડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ભીખ મંગાવવા માટે આરોપીએ માસુમ બાળકીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં અજાણી વ્યક્તિ બે બાળકો સાથે બાળકીને લઈને સાયણ રેલવે સ્ટેશન તરફ જતો નજરે પડ્યો હતો, જેના આધારે સાયણથી લઈને વાપી અને વલસાડ સુધીના 43 રેલવે સ્ટેશનો પર તપાસ ચલાવવામાં આવી હતી. આરોપી અમદાવાદ ખાતે એક જગ્યાએ ફ્રીમાં ભોજનના સ્થળે જોવા મળ્યો, જે બાદ તેને પકડી પાડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

