સુરત પોલીસ બની દેવદૂત: રમતા-રમતા ગૂમ થયેલ બાળકને ભારે જહેમત બાદ શોધી પરિવારને સોંપ્યું

સુરત શહેરમાં પોલીસ વધુ એકવાર દેવદૂત બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાંદેર વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક ગુમ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આ અંગેની રાંદેર પોલીસને જાણ થતા 100થી વધુ સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યું હતુ. ત્યાર બાદ તેનું પરિવાર સાથે મિલન થતાં પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પાંચ વર્ષનું બાળક ચાલતાં-ચાલતાં સાત કિમી જેટલું દૂર જતું રહ્યું હતું. ત્યારબાદ તે થાકી જતા ત્યાં જ સૂઈ ગયું હતું. રમીલાબેન નામક મહિલાનું સૌથી નાનું બાળક રમતા-રમતા ગુમ થઈ ગયું હતું જેને લઈને શ્રમિક દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતુ. રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા રાંદેર પીઆઇ આર. જે. ચૌધરીએ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતુ. તેમના માર્ગદર્શન મુજબ તાત્કાલિક રાંદેર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સર્વેલન્સ કોડ સ્ટાફના માણસો મારફત તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં સાવકી માતાનો બે બાળકીઓ પર અત્યાચાર, કામ ન કરવા બાબતે માર્યો ઢોર માર
રાંદેર પોલીસને આ બાળક સુધી પહોંચવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો. આખરે શેત્રાપાલ મંદિર પાસેથી બાળકને શોધી કાઢવામાં આવ્યું હતું. 10 કલાક સુધી અલગ-અલગ ટીમ આ બાળકને સહી સલામત શોધી કાઢવા માટે કામગીરી કરી રહી હતી. આ બાળકને ખૂબ જ જહેમતથી શોધી કાઢી સફળતા મેળવી હતી. આ બાળકનું શ્રમિક પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.

