Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 2.39 lakh forms filled for 2700 posts in Surat Municipal Corporation recruitment

Surat મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે અધધ... 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
Surat મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે અધધ... 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી
સોર્સ : gstv

એક તરફ સુરતને દેશનું સૌથી ધનાઢ્ય અને આર્થિક રીતે સક્ષમ શહેર ગણાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા (SMC)ની તાજેતરની ભરતીના આંકડા શહેરમાં પ્રવર્તી રહેલી બેરોજગારીનું એક ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ કેડરની માત્ર 2700 જગ્યાઓ સામે એટલો મોટો ધસારો થયો છે કે, હજી તો પરીક્ષા લેવાય તે પહેલાં જ પાલિકા કરોડપતિ બની ગઈ છે. 

App Store

યુવાનોના ખિસ્સામાંથી પાલિકા માલામાલ

સુરત પાલિકાની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નિયત કરાયેલી રૂ.400થી 500ની રજિસ્ટ્રેશન ફીના કારણે પાલિકાની તિજોરીમાં અત્યાર સુધીમાં રૂ.10 કરોડથી વધુની રકમ જમા થઈ ચૂકી છે. કુલ 3.10 લાખ લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા હતા. તેમાંથી 2.39 લાખ ઉમેદવારોએ પોતાની આકરી ફી ચૂકવીને અરજી કન્ફર્મ કરી છે. એક સામાન્ય પરિવારના બેરોજગાર યુવાન માટે 500 રૂપિયાની ફી બહુ મોટી રકમ હોય છે, છતાં સરકારી નોકરીની એક નાનકડી આશાએ લાખો યુવાનોએ આ આર્થિક બોજ સહન કર્યો છે.

 જુનિયર ક્લાર્ક માટે સૌથી મોટો ક્રેઝ

આ ભરતીમાં સૌથી ચોંકાવનારો આંકડો જુનિયર ક્લાર્કની પોસ્ટનો છે. ક્લાર્કની જગ્યાઓ માટે સર્વાધિક 1.15 લાખથી વધુ અરજદારો મેદાનમાં છે. આ સિવાય અન્ય પોસ્ટ પર પણ શિક્ષિત યુવાનોનો ભારે ધસારો જોવા મળ્યો છે.

માર્શલ: 27000 અરજીઓ

ડ્રાઇવર: 10500 અરજીઓ

એ.ઈ. સિવિલ (એન્જિનિયર): 10000 અરજીઓ

ટેક્નિકલ આસિસ્ટન્ટ: 7500 અરજીઓ

સ્થિતિ એવી છે કે, નોકરી મેળવવાની ઘેલછામાં કેટલાક ઉમેદવારોએ એક-બે નહીં પણ સાત-સાત અલગ-અલગ જગ્યાઓ માટે ફી ભરીને અરજી કરી છે. જેથી તેમની પરીક્ષાઓ એક જ દિવસે ન આવી જાય તે માટે હવે પાલિકાએ અલગથી ટાઈમટેબલ ગોઠવવું પડી રહ્યું છે.

વિવાદોથી બચવા હવે 'થર્ડ પાર્ટી'નો સહારો

ભૂતકાળમાં સરકારી ભરતીઓમાં થયેલા પેપર લીક અને અન્ય કૌભાંડોના કારણે યુવાનોનો વિશ્વાસ ડગી ગયો છે. આવામાં કોઈ નવો વિવાદ ઊભો ન થાય અને 2.39 લાખ ઉમેદવારોનો આક્રોશ ન વહોરવો પડે તે માટે સુરત પાલિકાએ આખી પરીક્ષા પ્રક્રિયા 'થર્ડ પાર્ટી એજન્સી'ને સોંપવાની તૈયારી કરી છે. પ્રશ્નપત્ર કાઢવાથી લઈને પરીક્ષા કેન્દ્રો અને પરિણામ સુધીની તમામ જવાબદારી આ બહારની એજન્સી સંભાળશે, જેના પરિણામના આધારે પાલિકા આગળની સ્ક્રૂટીની કરશે.

સળગતો સવાલ

ખાનગી ક્ષેત્રમાં યોગ્ય પગાર કે નોકરીની સુરક્ષા ન હોવાના કારણે આજે એન્જિનિયરિંગ અને અન્ય મોટી ડીગ્રીઓ ધરાવતા યુવાનો પણ ક્લાર્ક કે ડ્રાઈવર બનવા તૈયાર છે. પરંતુ સવાલ એ થાય છે કે, શું આવી સરકારી ભરતીઓમાં બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની રજિસ્ટ્રેશન ફી વસૂલવી કેટલી વ્યાજબી છે?