સુરત/ પાલિકા સંચાલિત બસના ડ્રાઈવર-કન્ડક્ટર હડતાળ પર, પગારના મુદ્દે વિરોધ પ્રદર્શન
સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર અને કન્ડક્ટર પગ

સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર અને કન્ડક્ટર પગારના મુદ્દે હડતાળ પર ઉતરી ગયા છે. તમામ કર્મચારીઓએ મગોબ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કર્મચારીઓનું કહેવું છે કે, તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેના બદલે જૂનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે.
ડબલ કામનો ડબલ પગાર નથી મળતો
આંદોલન પર ઉતરેલા કર્મચારઓએ કહ્યું કે, આઠ કલાક ના બદલે 16 કલાક કામ કરવા પર ડબલ પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ ફેરવી તોળ્યું છે. જેથી કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ સવારથી જ સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે.
બસના પૈડા થંભી ગયા
કર્મચારીઓની હડતાળથી બસના પૈંડા થંભી ગયા છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કંપની દ્વારા હજી સુધી આ મામલે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. તો સુરત મહાનગર પાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું નથી. ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે હડતાળ ક્યારે પૂરી થશે તેને લઈને મુસાફરો ચિંતીત છે.








