'દલાલનો દલાલ, લોકશાહીનો હત્યારો' લખેલા સ્ટીકર બસ-રીક્ષા પાછળ ચોંટાડી સુરતમાં કોંગ્રેસે કર્યો વિરોધ
સુરતમાં નાટકીય રીતે લોકસભાની બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારથી કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનમાં

સુરતમાં નાટકીય રીતે લોકસભાની બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારથી કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનમાં રોષ જોવા મળી રહ્યો છે. રોજે રોજ કોંગ્રેસીઓ દ્વારા આક્ષેપો કરવાની સાથે સાથે કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સિટી બસ અને રીક્ષા પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યાં હતાં. સાથે જ નિલેશ કુંભાણીને દલાલનો દલાલ અને લોકશાહીનો હત્યારો ચિતરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિરોધ પ્રદર્શન
રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે. જેને પગલે દલાલનો દલાલ એવા શબ્દો સાથે નિલેશ કુંભાણીની સરખામણી કરીને લોકશાહીની હત્યા થઈ હોવાનું કહી સ્ટીકર ચોંટાડવામાં આવ્યાં હતાં.
કુંભાણીને લોકો દંડા મારશે
કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બારોટે કહ્યું કે, એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે. ત્યારે કુંભાણીએ લોકોનો અધિકારી છીનવી લીધો છે. રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો. નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે. ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડા ફટકારશે તેમાં કોઈ શંકા નથી. નિલેશ કુંભાણીએ 18 લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.








