ગાંધીજીના પહેરવેશમાં નવસારીના કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર, દાંડીમાં મીઠું ઉપાડીને ભરશે ફોર્મ
ભાજપના ગઢ સમાન ગણાતી નવસારી બેઠક પર ભાજપના કદાવર નેતા સી.આર.પાટીલ સામે કોં

ભાજપના ગઢ સમાન ગણાતી નવસારી બેઠક પર ભાજપના કદાવર નેતા સી.આર.પાટીલ સામે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યાં છે. કોંગ્રેસ વરિષ્ઠ નેતા નૈષધ દેસાઈને ઉમેદવાર બનાવ્યાં છે. ત્યારે આજે નૈષધ દેસાઈએ કહ્યું કે, તેઓ ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીજીના પહેરવેશમાં જ પ્રચાર કરશે. માથે ટકો અને ખાદીના કપડા પહેરીને હાથમાં લાકડી લઈને ગાંધીજીનો સંદેશ નવસારીના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.
દાંડીથી યાત્રા યોજશે
નૈષધ દેસાઈએ કહ્યું કે, મટવાડથી દાંડી સુધીની યાત્રા યોજવામાં આવશે. ભાજપની સત્તા ભૂખ સામે તેઓ ફોર્મ ભરતાં અગાઉ પવિત્ર દાંડીના કિનારેથી મીઠાનો સત્યાગ્રહ થયો હતો. એ રીતે જ યાત્રા યોજશે. ત્યારબાદ ફોર્મ ભરશે. આજકાલ ભાજપ મોદીના ઈશારે કામ કરી રહ્યું છે. અડવાણીથી લઈને અટલજી સહિતનાના વિચારોને નાબૂદ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે કોંગ્રેસ અહિંસક રીતે ભાજપની ચૂંગાલમાંથી લોકોને મુક્ત કરવા પ્રયાસ કરશે.
લોકો પાસેથી સહાય મગાશે
ચૂંટણી ખર્ચ માટે કોંગ્રેસના નેતાએ કહ્યું કે, અમે લોકો પાસે જઈશું. 10 રૂપિયાથી લઈને 1 હજાર રૂપિયા સુધીની પહોંચ આપીને ખર્ચ મેળવવા પ્રયત્ન કરીશું. ઈલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ ભાજપે આચર્યું છે. અમારી પાસે રૂપિયા ખર્ચ કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી. જેથી અમે લોકો પાસે જઈશું. અમને વિશ્વાસ છે કે, લોકો અમને મદદ કરશે. હાર જીત માટે નહીં પરંતુ અમે બંધારણ અને લોકશાહી બચાવવા માટે શહીદ થવા માટે નીકળ્યા છીએ તેમ વધુમાં દેસાઈએ કહ્યું હતું.








