સુરત/ સોશિયલ મીડિયાથી દોસ્તી કરતાં અગાઉ સાવધાન, વિધવાને ફસાવી નરાધમે આચર્યુ દુષ્કર્મ
સુરતના પુણા વિસ્તારમાં રહેતી વિધવા મહિલા બે મહિના અગાઉ સોશિયલ મીડિયા ફેસબુક મારફતે એક યુવકના સંપર્ક

સુરતના પુણા વિસ્તારમાં રહેતી વિધવા મહિલા બે મહિના અગાઉ સોશિયલ મીડિયા ફેસબુક મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે તેને મળવાના બહાને બોલાવી તેને બાઈક પર બેસાડી બારડોલી તરફ લઈ ગયા બાદ તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફોન કરી મળવા બોલાવી હતી
બનાવની વિગત એવી છે કે, પુણા વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું અવસાન થયા બાદ તે તેની દીકરી સાથે એકલી જ વસવાટ કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા ફેસબુક મારફતે રાજેશ અમૃતભાઈ પટેલ સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર મેસેજથી વાતચીત થતા ફોન નંબરની આપ-લે થઈ હતી. આ દરમિયાન ગત તારીખ 21/2/2024ના રોજ વિધવા મહિલા કબુતર સર્કલ પાસે તેના સંબંધીના ઘરે બેસવા માટે ગઈ હતી. આ દરમિયાન તેના મિત્ર રાજેશ અમૃતભાઈ પટેલનો તેના પર ફોન આવ્યો હતો. સાંજે છ વાગ્યે તું પર્વત પાટિયા ઉભી રહેજે મારે તારું કામ છે. હું તને લેવા માટે આવું છું તેમ જણાવ્યું હતું.
અલગ અલગ જગ્યાએ આચર્યુ દુષ્કર્મ
સાંજે 6:00 વાગ્યે પરણીતા પર્વત પાટિયા ચાર રસ્તા પાસે ઉભી હતી. ત્યારે રાજેશ પટેલ પોતાની બાઇક લઈને ત્યાં આવ્યો હતો. સાંજે વિધવાને બાઈક પર બેસાડી બારડોલી તરફ કોઈ ખેતરમાં લઈ જઈ તું મારી જવાબદારી છે. જેથી હું જેમ કહું તેમ કર નહિતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યં હતું. ત્યારબાદ રાતના આશરે 1:00 વાગ્યાના અરસામાં પોતાની બાઈક પર બેસાડી હાઇવે પર અવાવરું જગ્યામાં લઈ જઈ ત્યાં પણ બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ બાઈક પર બેસાડી પરણીતાને સુરતમાં સવારે ચાર વાગ્યાના અરસામાં અમરોલી સર્કલ પાસે માનસરોવર ખાતે તેના મિત્રના ઘરે જ આવી ત્યાં પણ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સવારે 8:00 વાગ્યાના અરસામાં રાજેશ પટેલ વિધવાને તેના મિત્ર મંગેશના ઘરે અમરોલી કોસાડ આવાસ ખાતે મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર વિધવાએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ પટેલ સામે દુષ્કર્મનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








