સુરત/ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થિનીની ટી-શર્ટ ઊંચી કરવાનું કહેવા મુદ્દે તપાસ, કુલપતિએ કહ્યું,-'આખી વાત ઉપજાવી કઢાઈ'
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં હાલ પરીક્

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષામાં ભરૂચ અને કામરેજની કોલેજમાં મહિલા સ્કવોડ દ્વારા પરીક્ષામાં બેસેલી વિદ્યાર્થિનીને ટી-શર્ટ ઊંચુ કરવા કહેવાયું હોવાની વાત સામે આવી હતી. જેથી કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં. તપાસ બાદ કુલપતિએ કહ્યું કે, સમગ્ર વાતને ઉપજાવી કાઢવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સીસીટીવી ચેક કરાયા
નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર મહિલા સ્કવોડની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં ત્રણ પ્રોફેસરને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે આ સ્ક્વોડ દ્વારા વિદ્યાર્થિની સાથે ક્લાસરૂમ વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની વાત વહેતી કરવામાં આવી હતી. જેથી કુલપતિ દ્વારા સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં. જેને લઈને ક્લાસરૂમના સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. પરંતુ સમગ્ર વાત પાયાવિહોણી હોવાનું કુલપતિએ કહ્યું હતું.
ટીમ તપાસમાં ન આવે તે માટેનો કારસો
કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે, સ્ક્વોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે વાત ઉપજાવી કાઢવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. વિદ્યાર્થિની સાથે કોઈ જ પ્રકારની ક્ષોભનિય હરકત કરવામાં આવી નહોતી. છતાં આવી કોઈ ઘટના બની હોવાની વાતને ઉપજાવી કાઢવામાં આવી હતી. જેથી આવી વાત વહેતી કરનાર વિદ્યાર્થી કે અન્ય કોઈ સામે પણ તપાસના અંતે પગલાં લેવાશે.








