સમાજકારણ બન્યું રાજકારણની નિસરણી, સુરતમાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા અલ્પેશ-ધાર્મિક ભાજપમાં જોડાશે
પાટીદાર અનામત આંદોલન હોય કે, સમાજના નામે ચાલતાં અન્ય આંદોલનો. તમામ યુવા નેતાઓ સમાજકારણને રાજકારણની ન

પાટીદાર અનામત આંદોલન હોય કે, સમાજના નામે ચાલતાં અન્ય આંદોલનો. તમામ યુવા નેતાઓ સમાજકારણને રાજકારણની નિસરણી બનાવી રહ્યાં છે. સમાજકારણની નિસરણીથી રાજકારણમાં આસાનીથી પ્રવેશ થતો હોય તેમ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ અગાઉ ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોમાં આવી ગયા છે. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા પણ ભાજપમાં ગોઠવાઈ જવાના છે. ત્યારે ભાજપમાં માત્ર પાસ સાથે સંકળાયેલા 24 પૈકી 14 જેટલા ચહેરાઓમાં હવે બે નવા ચહેરાનો વધારો થવા જઈ રહ્યો છે.
ધાર્મિક અને અલ્પેશ ભાજપમાં જોડાશે
પાટીદાર અનામત આંદોલનની ભૂમિ સમાન સુરતમાંથી અલ્પેશ અને ધાર્મિક આજે ભાજપમાં જોડાનાર છે. ભાજપ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં બન્ને યુવાનો પોતાના 200 જેટલા સમર્થકો સાથે જોડાનાર છે. આ બન્ને નેતાઓ અનામતની લડાઈના કેન્દ્ર બિંદુ સમાન સુરતના માનગઢ ચોક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈની પ્રતિમાને હારતોરા કરીને ભાજપના કેસરીયા કરવાના છે.
લાલજીને બાદ કરતાં મોટાભાગના ગોઠવાઈ ગયા
પાટીદાર અનામત માટે વર્ષોથી લડનાર લાલજી પટેલ સિવાયના તમામ નેતાઓ ક્યાંકને ક્યાંક પક્ષમાં ગોઠવાઈ ગયા છે. જેમાં હાર્દિક કોંગ્રેસ બાદ ભાજપના ધારાસભ્ય બની ગયા છે. ત્યારે અલ્પેશ અને ધાર્મિક અગાઉ આપમાંથી વિધાનસભાની ચૂંટણી લડીને હારી પણ ગયા બાદ હવે ભાજપમાં ભળવાના છે. 14 ચહેરાઓ ભાજપમાં છે જ્યારે 4 નેતાઓ કોંગ્રેસમાં અને 3 નેતાઓ હવે આપમાં રહ્યા છે.








