રાજકોટ/ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, ગળાના ભાગે બ્લેડ મારતા યુવતીનું મોત
રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છ

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. ગળાના ભાગે યુવતીએ બ્લેડ મારતા તેનું મોત થયું હતું. આ બનાવ બાદ પોલીસ સામે પણ અનેક સવાલ ઉભા થયા છે.
રાજકોટ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ પોલીસ સ્ટેશનમાં જ ગળાના ભાગે બ્લેડ મારતા તેનું મોત થયું હતું જ્યારે યુવકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ પોલીસે બન્નેને ટ્રેસ કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા. પરિવારજનો એક નહિ થવા દે તે ડરથી પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડાએ દરવાજો લોક કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં પ્રેમિકા પૂજાનું મોત થયું હતું જ્યારે પ્રેમી વિનોદને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટમાં પોલીસ સ્ટેશન પણ સેફ નથી
યુવક-યુવતીના પોલીસ સ્ટેશનમાં આપઘાત મામલે રાજકોટ પોલીસ સામે જ અનેક સવાલ ઉભા થયા છે. યુવક-યુવતી પોલીસ કસ્ટડીમાં હોવા છતાં તેમની પાસે બ્લેડ ક્યાંથી આવી. રાજકોટમાં હવે પોલીસ મથક પણ સેફ નથી. આ પહેલા પણ આજીડેમ પોલીસ મથકમાં પણ આરોપીએ બાથરૂમમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બિ ડિવિઝન પોલીસ મથકમાં પણ આજ પ્રકારે ઘટના બની હતી.
તો એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંડર આવેલી જુબેલી ચોકીમાં પણ એક આરોપીએ આ જ પ્રકારે રાત્રીના સમયે આપઘાત કરી લીધો હતો. જો કે આ તમામ ઘટનાઓમાં ફરજ રહેલા જે તે પોલીસ કર્મી વિરૂદ્ધ ઉચ્ચ અધિકારીઓએ કોઈ પણ પગલાં લીધા નથી. જ્યારે કોઈ આરોપી પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની જ રહેતી હોય છે ત્યારે એક વર્ષમાં બનેલી આવી ત્રણ થી ચાર ઘટનાઓમાં પોલીસ અધિકારીઓએ તેમના કર્મચારીઓ પર પગલાં લીધા હોય તેવું કશું જ સામે આવ્યું નથી. જો કે આ ઘટનામાં ડરી ગયેલા પ્રેમી પંખીડાઓ હતા અને તેમને આ પગલું ભર્યું હતું. ત્યારે હવે આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓની આંખો ખુલશે કે પછી આંખ આડા કાન કરવાની પ્રથા પોલીસ યથાવત રાખશે તે જોવું રહ્યું.








