CMAના પરિણામમાં સુરતનો ડંકો, ઈન્ટરમિડિયેટમાં વિદ્યાર્થિનીએ દેશભરમાં મેળવ્યો પ્રથમ ક્રમ
ધ ઈન્સ્ટીટ્યુ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા આજે સીએમએના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે.

ધ ઈન્સ્ટીટ્યુ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા આજે સીએમએના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. ઈન્ટર અને ફાઈનલના પરિણામમાં વિદ્યાર્થીઓએ દેશભરમાં ડંકો વગાડ્યો છે. ફાઈનલમાં ટોપ 50માં 5 વિદ્યાર્થીઓએ ક્રમાંક મેળવવામાં સફળતા મેળવી છે. ત્યારે ઈન્ટરમાં 12 વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈન્ટરમાં કુલ 518 વિદ્યાર્થીઓએ પરિક્ષા ડિસેમ્બર 2024માં આપી હતી. જેમાંથી 131 પાસ થયા છે. જ્યારે ફાઈનલમાં 143માંથી 42 વિદ્યાર્થીઓ પાસ થતાં 58 ટકા વિદ્યાર્થીઓને પાસ થવામાં સફળતા મળી છે.
આર્ટિકલશીપ સાથે મેળવી સફળતા
સીએમએ ઈન્ટરમાં દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર કૃતિકા સિંઘલને 800માંથી 666 માર્ક પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. ત્યારે સફળતાનો શ્રેય માતા પિતાને આપતાં કૃતિકાએ કહ્યું કે, અપેક્ષા ટોપ કરવાની હતી. પરંતુ દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ખુશીની લાગણી અનુભવી રહી છું. સીએ આર્ટિકલશીપ કરવાની સાથે સાથે રોજ 3 કલાક જેટલી તૈયારી કરતી હતી. પરંતુ પરિક્ષાના છેલ્લા 20 દિવસોમાં આર્ટિકલશીપમાંથી રજા રાખીને 8 કલાક જેવી તૈયારી કરી હતી. પિતા સીએ હોવાથી તેમની પાસેથી પણ માર્ગદર્શન મળતું હતું. મોટોભાઈ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. માતા હાઉસ વાઈફ હોવાથી તેણીનો પણ પૂર્ણ સપોર્ટ રહેતો હતો.
અઘરા વિષયને છોડવો નહી
ઓએમએસએમ સબ્જેક્ટ અઘરો લાગતો હતો જેથી તેના પર શરૂઆતમાં ઓછું ધ્યાન આપ્યું પરંતુ જ્યારે તે હાથમાં લીધો તો એટલો અઘરો લાગતો નહોતો. તેમ કહેતા કૃતિકાએ ઉમેર્યું કે, કોઈ સબ્જેક્ટને એવોઈડ કરવો ન જોઈએ. વગર ટ્યુશને પણ પોતાના પ્રયત્નોથી આ સફળતા પ્રાપ્ત કરી છે. સીએનો અભ્યાસ પણ સાથે કરતી હોવાથી ક્યારેક કંટાળી જતી હતી. તો કંટાળાને દૂર કરવા માટે થઈને રોજના 30 મિનિટ સોશિયલ મીડિયાને આપતી હતી. સાથે જ મૂડને ફ્રેશ કરવા માટે થઈને મિત્રો સાથે વાત કરતી હતી. તેની સાથે ભણતરને લઈને વાત ન કરતી પરંતુ અન્ય વાતો કરતી હતી.
સુરત ચેપ્ટરનું પરિણામ ઉંચુ
સીએમએ સુરત બ્રાંચ દ્વારા કહેવામાં આવ્યું કે, સુરતનું પરિણામ અન્ય ચેપ્ટર કરતાં અને વેસ્ટર્ન રિજિયનમાં સૌથી ઊંચું આવ્યું છે. દર વર્ષે પરિણામમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સખત મહેનત કરીને સારું પરિણામ મેળવી રહ્યાં છે. ઈન્ટરમાં 39 ટકા અને ફાઈનલમાં 58 ટકા જેટલું ઉંચું પરિણામ આવ્યું છે. જે વિદ્યાર્થીઓની મહેનતને દર્શાવે છે








