મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના વિકાસની વરવી હકીકત, નસવાડીના ખેંદા ગામને હજુ પણ નથી મળી રોડ કનેક્ટીવિટી 

નસવાડી તાલુકાનું ખેંદા ગામ ડુંગરની તળેટીઓમાં વસેલું છે. 450 લોકો

ગુજરાતના વિકાસની વરવી હકીકત, નસવાડીના ખેંદા ગામને હજુ પણ નથી મળી રોડ કનેક્ટીવિટી 

નસવાડી તાલુકાનું ખેંદા ગામ ડુંગરની તળેટીઓમાં વસેલું છે. 450 લોકોની વસતી છે. જયારે ગામના 5 ફળીયા છે. ગામને આઝાદીના વર્ષો પછી પણ રસ્તાની સુવિધા મળી નથી. અલગ અલગ ફળીયામાંથી બાળકો કાચા રસ્તા ઉપર એકથી બે કિલોમીટર સુધી પગપાળા પ્રાથમિક શાળાએ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે જાય છે. પ્રાથમિક શાળા મુખ્ય રસ્તા ઉપર છે. જયારે ચોમાસાના સમયમાં આ ફળિયાઓમાંથી મુખ્ય રસ્તા ઉપર આવવા માટે દરરોજ લોકોને કીચડમાં ચાલીને આવવું પડે છે. જેના લીધે પગમાં ચપ્પલ પણ પહેરી શકતા નથી જયારે બાળકો શાળા એ અને આંગણવાડીએ જાય છે તેઓ પણ પગમાં ચપ્પલ પહેરી શકતા નથી.

108 પણ આવી શકતી નથી

આ ફાળિયાઓમાં કોઈ બીમાર પડે તો દવાખાને લઇ જવા માટે ઝોળીમાં નાખીને રોડ સુધી બીમાર દર્દીને લાવવું પડે અને ત્યાંથી ખાનગી વાહનમાં બે કિલોમીટર વાડીયા ગામ સુધી જ 108 એમ્યુલન્સ આવે છે. જયારે આઝાદીના આટલા વર્ષો પછી પણ ન તો પંચાયત માર્ગ મકાન વિભાગે રસ્તો બનાવ્યો ન તો ગ્રામ પંચાયતે રસ્તો બનાવ્યો. હાલ તો આઝાદી ના આટલા વર્ષો પછી પણ લોકો રસ્તાથી વંચિત છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આજદિન સુધી આ ગામની મુલાકાત લીધી નથી.

સમસ્યાના નિકાલની માગ

સરકાર છેવાડાના માનવી સુધીના વિકાસની વાતો કરે છે. આ લોકો નર્મદા કાંઠાના છેવાડાના ગામો છે. નર્મદાના નદીના સામા કિનારે મહારાષ્ટ્રની બોર્ડર લાગી જાય છે. સરકારે બોર્ડર વિલેજના ગામોની પસંદગીમાં આ ગામની પસંદગી કરીને આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા આપવી જોઈએ. નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ છે. નસવાડી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર આ ગામની મુલાકાત લઇ લોકોની રસ્તાની સમસ્યાનો નિકાલ કરે તેવી આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે. જયારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ પડે તો તમામ રસ્તા બંધ થઇ જાય છે. તે વખતે જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા જવામાં મુશ્કેલી પડે છે.

આ સમાચાર શેર કરો