સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, અડાજણમાં ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન
સુરતમાં થોડો વરસાદ પડે એટલે ભૂવો પડવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યો છે.

સુરતમાં થોડો વરસાદ પડે એટલે ભૂવો પડવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યો છે. બે દિવસ થોડો વરસાદ પડ્યા બાદ આજે અડાજણ વિસ્તારમાં ફરી એકવાર ભૂવો પડ્યો છે. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ભૂવા આસપાસ બેરીકેટ લગાવાયા
વરસાદ પડતાં ભૂવો પડવાના અનેક બનાવ બન્યા હતા. જે હજી અટકતા નથી. આજે ટ્રાફિકથી ધમધમતા અડાજણના જ્યોતીન્દ્ર દવે ગાર્ડન પાસે ભૂવો પડ્યો હતો. જાહેર માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ભૂવાના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. પાલિકાએ ભૂવાની આસપાસ બેરીકેટ લગાવી દીધા છે.
સતત પડી રહ્યા છે ભૂવા
સ્થાનિકોએ કહ્યુ કે, પાલિકા દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે, પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, કોઈ જ પ્રકારનું કામ ન થતું હોય તે રીતે ભૂવા પડી રહ્યા છે. ભૂવો પડ્યા બાદ પણ તાત્કાલિક કામગીરી કરવામાં આવી રહી નથી. જેથી કરીને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.








