'આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું મોટું યોગદાન', જેપી નડ્ડા-મુખ્યમંત્રીએ રાજકોટથી તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ
રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે, આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું મોટુ યોગદાન છે. ગાંધીજી, સરદાર પટેલને ના ભૂલી શકાય.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પરશોત્તમ રૂપાલા, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા સહિતના નેતા હાજર રહ્યાં હતા. 11 ઓગસ્ટે સુરત, 12 ઓગસ્ટે વડોદરા અને 13 ઓગસ્ટે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સ્વતંત્રતા પર્વને જનઆંદોલન બનાવવા માટે વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનની પ્રેરણા આપી છે. તેમના માર્ગદર્શનમાં આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું આયોજન રાજકોટથી થઇ રહ્યું છે.વડાપ્રધાન સ્પષ્ટ પણે માને છે તે તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદી કા અમૃત મહોત્ત્સવ, મેરી મીટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા કાર્યક્રમોએ સફળતા મેળવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ ઉજવવાના છીએ તે પહેલા જનજનમાં રાષ્ટ્રભક્તિ, દેશ પ્રેમ વધારવા હર ઘર તિરંગા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. દેશને સ્વતંત્રતા સ્વરાજ અપાવવામાં અનન્ય ભૂમિકા નીભાવી હતી. બે સપૂત ગાંધી બાપુ અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ બન્નેનું સ્મરણ કરીને વંદન કરૂ છું. હર ઘર તિરંગાને યાદગાર જનઆંદોલન બનાવવાની અપેક્ષા સાથે સૌને સ્વતંત્રતા પર્વની ખુબ ખુબ શુભેચ્છા પાઠવુ છું.








