વતન જવા ખાનગી ટ્રાવેલ્સે ભાડા વધાર્યા, ST વિભાગે અલાયદી વ્યવસ્થા કરી 41 હજારથી વધુ લોકોને કરાવી મુસાફરી
સુરતમાંથી દિવાળીના તહેવારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો રવાન

સુરતમાંથી દિવાળીના તહેવારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો રવાના થતા હોય છે. ત્યારે લોકોની મજબૂરીનો લાભ લઈને બમણાથી વધુ ભાડા ખાનગી બસ દ્વારા લેવામાં આવતાં હતાં. જેની સામે સામાન્ય માણસોના હામી બનીને એસટી વિભાગે અલાયદી વ્યવસ્થા કરી હતી. 5 દિવસમાં 500થી વધુ બસ દોડાવી હતી. જેથી 41 હજાર લોકો પોતાના માદરે વતન પહોંચ્યા હતાં. ખાનગીમાં 1000થી 1200 સુધીના ભાડાની સામે એસટી દ્વારા 400 રૂપિયા જેટલું ભાડું લેવાતું હતું.
દિવાળી ફળી
એસટી વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. ગતરોજ એક જ દિવસમાં 500 થી વધુ બસ એસટી વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેમાં 41,000થી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં 1359 જેટલી વધુ બસ 5.17 લાખ કિમી દોડાવવાથી સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે. 26મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી એસટીએ 1359 બસો દોડાવી 2.56 કરોડ રૂપિયાની આવક રળી છે. સૌથી વધુ 419 ટ્રિપ ઝાલોદ અને બીજા ક્રમે 224 ટ્રિપ દાહોદની દોડાવાઈ છે. જ્યારે ગ્રૂપ બુકિંગની 292 બસ પણ દોડાવવામાં આવી હતી.
292 બસનું ગ્રુપ બુકીંગ
સુરત એસટી વિભાગે એસટી આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રૂપ બુકિંગ થકી સુરતથી સોસાયટીમાંથી બેસાડી વતનના ગામ સુધી મુસાફરોને પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી મુસાફરો આ સેવાનો જબરદસ્ત લાભ લઈ રહ્યા છે. આ વખત ગ્રૂપ બુકિંગમાં 292 બસનું બુકિંગ થયું હતું. આમ ગ્રૂપ બુકિંગ થતી 60 લાખ રૂપિયાની આવક થઈ હતી. જયારે દાહોદ અને ઝાલોદ તરફ એડવાન્સ બુકિંગ વગર પાંચ દિવસમાં 34 હજાર જેટલા લોકો ગયા છે. દાહોદ-ઝાલોદ તરફની બસ જેમ જેમ ભરાતી ગઈ તેમ તેમ નવી બસ ઉપાડવામાં આવી હતી.








