Jamnagar એરફોર્સ સ્ટેશન પર ઉતર્યા દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો
દક્ષિણ કોરિયાની એરફોર્સની પ્રખ્યાત એરોબેટિક ટીમ ‘બ્લેક ઈગલ્સ’ (Black Eagles) ના નવ

દક્ષિણ કોરિયાની એરફોર્સની પ્રખ્યાત એરોબેટિક ટીમ ‘બ્લેક ઈગલ્સ’ (Black Eagles) ના નવ વિમાનો જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉથ કોરિયાની 'બ્લેક ઈગલ્સ' ટીમના 9 ફાઈટર જેટ અને 1 ટ્રાન્સપોર્ટ વિમાને સાઉદી અરેબિયા જતા રસ્તામાં જામનગર એરફોર્સ સ્ટેશન પર વિસામો લીધો હતો. 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન રોકાયેલા આ કાફલાને ભારતીય વાયુસેનાએ ફ્યુલ અને ટેકનિકલ મદદ પૂરી પાડી હતી.આ કાફલાએ આરામ અને ઈંધણ ભરવા માટે જામનગરમાં ટ્રાન્ઝિટ હોલ્ટ (વચગાળાનો વિરામ) લીધો હતો.
સાઉદી અરેબિયાના એર શોમાં આપશે પ્રદર્શન
આ 9 T-50 ગોલ્ડન ઈગલ વિમાનો સાઉદી અરેબિયા જઈ રહ્યા છે. આ ટીમ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રિયાધમાં યોજાનારા ‘વર્લ્ડ ડિફેન્સ શો 2026’ માં પોતાનું શાનદાર એરોબેટિક પ્રદર્શન રજૂ કરશે. સપોર્ટ સ્ટાફને લઈ જતું એક C-130 ટ્રાન્સપોર્ટ પ્લેન પણ આ કાફલા સાથે ઉડી રહ્યું હતું, જ્યારે અન્ય બે C-130 વિમાનો રાત્રે પાછળથી જોડાવાના હતા.
જામનગર એરફોર્સ સ્ટેશનનો સહયોગ
દક્ષિણ કોરિયન એરફોર્સના જવાનો સહિતની આ ટીમ રવિવારે સવારે નાગપુર પહોંચી હતી. નાગપુરથી ઉડ્યા બાદ આ ટીમ જામનગર ખાતે આવી પહોંચી હતી. ભારતીય વાયુસેના (IAF) એ આ ટીમને ઉતરાણ, ટેકનિકલ સુવિધાઓ, કસ્ટમ્સ અને ઈમિગ્રેશન માટે સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. આ ટીમ 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન નાગપુર એરફોર્સ સ્ટેશન પર રોકાઈ હતી.
સુધરતા સંબંધોના સંકેત
આ વિમાનો લાંબા અંતર સુધી સતત ઉડી શકતા ન હોવાથી, રસ્તામાં અલગ-અલગ એરપોર્ટ પર રોકાણ કરે છે. અહેવાલો મુજબ, આ કાફલાએ જાપાનમાં પણ ઈંધણ ભરવા માટે વિરામ લીધો હતો. જાપાનમાં બ્લેક ઈગલ્સને રિફ્યુલિંગ સપોર્ટ મળ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે, જે બંને દેશો વચ્ચેના સુધરતા સંબંધોનો સંકેત આપે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે જાપાન દ્વારા રિફ્યુલિંગની મનાઈ કરવાને કારણે આ ટીમ દુબઈ એર શોમાં ભાગ લઈ શકી ન હતી.






