મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવરાત્રિમાં ખેલૈયાઓને ડ્રગ્સ વેચે તે અગાઉ એક દબોચાયો, 35.20 લાખનો મુદ્દામાલ લાવ્યો હતો મુંબઈથી

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છ

નવરાત્રિમાં ખેલૈયાઓને ડ્રગ્સ વેચે તે અગાઉ એક દબોચાયો, 35.20 લાખનો મુદ્દામાલ લાવ્યો હતો મુંબઈથી

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે SOG દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી 35 લાખ 20 હજાર 700 રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. નવરાત્રિના આયોજનો પહેલા જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે, હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિને ટાર્ગેટ કરીને કેટલાક ઈસમો યુવાનોને નશાની લતે લગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હિન્દુ સંગઠનોની આ વાત ક્યાંકને ક્યાંક સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. 

બે મોબાઈલ ને રોકડ મળી

સુરત SOG પોલીસે 352 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરતના અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઈસમ ડ્રગનું વેચાણ કરવા માટે ઊભો છે. બાતમીના આધારે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરીને આ ઈસમને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ ઇસમનું નામ મહમદ આસિફ અબ્દુલ રસીદ શેખ છે અને તે પદ્માવતી સોસાયટી લીંબાયતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના 89,900 રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. 

નવરાત્રિના ગ્રાઉન્ડ નજીકથી પકડાયો

પોલીસે જે જગ્યા પરથી આરોપી મોહમ્મદ આસિફ શેખની ધરપકડ કરી છે તે જગ્યાથી અઢીથી ત્રણ કિલોમીટરના અંતરે નવરાત્રિનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. મોટાભાગના યુવાનો નવરાત્રી ડોમ સુધી પહોંચવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નવરાત્રિમાં ગરબે રમવા જતા યુવાનોને આ ઈસમ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પણ શંકા સેવાય રહી છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે કેટલાક લોકોને આ ઈસમ MDનું વેચાણ ચૂક્યો છે અને એટલા માટે તેની પાસેથી ડ્રગ્સના વેચાણના 89 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે. આરોપી પાસેથી જે રોકડા રૂપિયા મળ્યા છે તેના પરથી એવું કહી શકાય કે આરોપી અગાઉ 9 થી 10 ગ્રામ જેટલું ડ્રગ્સ કોઈ ઇસમોને વેચાણ કરી ચૂક્યો છે. આરોપી જે પ્રકારે પોતાની સાથે 350 ગ્રામ કરતાં વધારે ડ્રગ્સનો મુદ્દામાલ લઈને ફરી રહ્યો હતો તે પરથી આશંકા વ્યક્ત કરી શકાય કે તે વધારે યુવકોને આ ડ્રગ્સનું વેચાણ કરવાનો હતો અને મોડી રાત્રે ગરબે રમીને પરત આવતા યુવાનોને આરોપી ડ્રગનું વેચાણ કરવાનું હોય તેવી શક્યતાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.

મુંબઈથી લાવ્યો હતો જથ્થો

આરોપી મોહમ્મદ આશિફની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો અને પોતાના મોજ પુરા કરવા માટે અને શોર્ટકટથી પૈસા કમાવવા માટે તે આ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને મુંબઈ ખાતેથી યોગેશ ઈંગ્લે નામના વ્યક્તિ પાસેથી MD ડ્રગ્સ લાવતો હતો. આરોપી વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો