મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: કૃષ્ણનગરમાં મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓની ચોરી કરી તસ્કરો ફરાર

અમદાવાદમાં મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ

Ahmedabad news: કૃષ્ણનગરમાં મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓની ચોરી કરી તસ્કરો ફરાર

અમદાવાદમાં મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગેટ પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ ભગવાનના મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ અને છતર મળી કુલ રૂ. 1.20 લાખના મુદ્દામાલની ચોરી કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

1 લાખની કિંમતની 9 મૂર્તિઓ ચોરાઈ 

કૃષ્ણનગરમાં આવેલી સોસાયટીના ચેરમેન અશોકકુમાર પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચોર ઈસમે મંદિરમાંથી ગોગા મહારાજની અલગ-અલગ કદની કુલ 9 ચાંદીની મૂર્તિઓ ચોરી હતી. જેનું વજન આશરે 800 ગ્રામ અને કિંમત રૂ. 1,00,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત મૂર્તિઓ પર લગાવેલા આશરે 200 ગ્રામ વજનના 12 નંગ ચાંદીના છતરો (કિંમત રૂ. 20,000) પણ ચોરાયા હતા. આમ, કુલ મળીને રૂ. 1,20,000ની મત્તાની ચોરી થઈ છે.

આરતી સમયે ઘટનાની જાણ થઈ 

ચોરીની આ ઘટના ગત 6 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. સાંજે 7 વાગ્યાના સુમારે સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ મારુ નિત્યક્રમ મુજબ મંદિરે આરતી કરવા ગયા હતા. ત્યારે તેમણે જોયું કે મંદિરમાંથી મૂર્તિઓ અને છતર ગાયબ હતા. તેમણે તાત્કાલિક સોસાયટીના ચેરમેન અશોકકુમાર પટેલને જાણ કરી હતી.

પીળા અને કાળા કલરના ટી-શર્ટમાં આવ્યો હતો ચોર 

ચોરીની જાણ થતાં સોસાયટીના સભ્યોએ તાત્કાલિક ગેટ પાસેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ફૂટેજ મુજબ, સવારે 11:23 વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશ્યો હતો. તેણે પીળા અને કાળા કલરની ચોકડીવાળું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું. આ શખ્સ પોતાની પાસે રહેલી કાળા કલરની બેગમાં નિરાંતે મૂર્તિઓ અને છતરો ભરતો નજરે પડ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો