હાઈટેક લાજપોર જેલમાં ભણતા કેદીઓ માટે સ્માર્ટ ક્લાસ, રાજ્યમાં પ્રથમવાર ઓડિયો-વીડિયોથી પણ અપાશે શિક્ષણ
સુરતની હાઈટેક લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી

સુરતની હાઈટેક લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી ૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અનેક શાળાઓમાં સ્માર્ટ કલાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,પરંતુ પહેલીવાર લાજપોર જેલમાં બંદિવાન ભાઇઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો છે, જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઇઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકશે. આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ થકી અનેક બંદિવાન ભાઇઓના જીવનમાં શિક્ષણનો દીપક પ્રજ્વલિત થશે.
માનવાધિકાર સચવાઈ રહે તેવા પ્રયાસ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. બંદિવાનોને યોગ્ય, પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે. ગુજરાતની દરેક જેલમાં બંદિવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે. બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ છે.
ગુનાનું પ્રાયશ્વિત કરી સુધરવાની તક
બંદિવાનોને અનુરોધ કરતાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, આવેશમાં આવી ભુલથી કોઇ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઇ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિષ કરજો. જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે એના માટે સરકાર કટિબદ્ધ છે. બંદિવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો.
માનસિકતા બદલાવવા પ્રયાસ
જેલમાં બંદિવાનો સાથે યોગ્ય વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા અને અભ્યાસમાં નિપૂણ હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે.








