Video/ ‘બંધારણવાળાને મારો ગોળી’ પર ગેનીબેન લાલઘૂમ, આખરે ગાયક સુનીલ ઠાકોરે માંગી માફી
સોશિયલ મીડિયા પર લોકગાયકો દ્વારા ગવાતા ગીતોમાં ક્યારેક મર્ય


સોશિયલ મીડિયા પર લોકગાયકો દ્વારા ગવાતા ગીતોમાં ક્યારેક મર્યાદા ઓળંગાતી હોય છે, જેનો તાજો કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે. ‘બંધારણ બનાવવા વાળાને મારો ગોળી’ એવા વિવાદિત શબ્દો ધરાવતું ગીત વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. આ મામલે વાવ-થરાદના લોકપ્રિય નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી.
સમાજ સુધારા માટે ગોળી ખાવા પણ તૈયાર: ગેનીબેન ઠાકોર
આ વિવાદિત વીડિયો સામે આવ્યા બાદ ગેનીબેન ઠાકોરે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, “કયા કલાકારે આ ગાયું છે કે કઈ જગ્યાનું છે તેની મને ખબર નથી, પરંતુ બંધારણને નિશાન બનાવવું તે યોગ્ય નથી. બંધારણ કોઈ વ્યક્તિગત હિત માટે નથી, તે દરેક સમાજની અનુકૂળતા મુજબ બનાવવામાં આવ્યું છે.”
તેમણે વધુમાં કલાકારોને શિખામણ આપતા કહ્યું હતું કે, “કલાકારોએ મર્યાદામાં રહીને અને સંસ્કૃતિ જળવાય તેવા ગીતો ગાવા જોઈએ. તમે જેમને ગોળી મારવાની વાત કરો છો, તેમનું નામ સમાજ સુધારાની શહીદીમાં આવશે. જો વ્યક્તિગત રીતે બધા સમાજનું ભલું થતું હોય તો હું પોતે પણ ગોળી ખાવા તૈયાર છું.”
કલાકાર સુનીલ ઠાકોરે માંગી માફી
ગેનીબેન ઠાકોરના આકરા નિવેદન અને સોશિયલ મીડિયા પર થતા વિરોધને જોતા, વિવાદિત ગીત ગાનાર કલાકાર સુનીલ ઠાકોરે તાત્કાલિક માફી માંગી છે. સુનીલ ઠાકોરે એક વિડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, “ભૂલમાં મારાથી આ શબ્દો બોલાઈ ગયા હતા. મને મારી ભૂલ સમજાઈ છે અને આ માટે હું દિલથી તમામની માફી માંગુ છું.”






