Ahmedabad: કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત
અમદાવાદના ખોખરા સ્મશાનના નવીનીકરણની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર કેશવપ્

અમદાવાદના ખોખરા સ્મશાનના નવીનીકરણની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર કેશવપ્રિયા પ્રોજેક્ટ પ્રા.લિ.ની બેદરકારીના કારણે વીજ કરંટ લાગતા મુળ રાજસ્થાનના વતની એવા 27 વર્ષના યુવકનું મોત નિપજ્યુ હતું. યુવક ખાડામાં ભરાયેલા પાણીનો તાગ મેળવવા ગયો હતો. તે સમયે વીજકરંટ લાગ્યો હતો. કોન્ટ્રાક્ટરને આ ઘટનાની જાણ કરવા છતાં તે સ્થળ ઉપર ઘટના બન્યાના એક કલાક પછી પણ પહોંચ્યો ન હતો.
મળતી માહિતી મુજબ ખોખરા સ્મશાનના નવીનીકરણને લઈ ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાયેલું હતું. આ સમયે પાણીનો તાગ મેળવવા ઉતરેલા હાલ ચાંદખેડા વિસ્તારમાં રહેતા દીપક રાધેશ્યામ સેવતા, ઉંમર વર્ષ 27ને થ્રી ફેઈઝની ચાલુ વીજલાઈનમાંથી કરંટ લાગતા સ્થાનિક યુવકો બચાવ માટે આગળ તો આવ્યા હતા પરંતુ તેને બચાવી શકાયો ન હતો.
યુવકને જ્યારે બહાર કાઢી 108ને બોલાવવામાં આવી એ સમયે સાથેના આઠ જેટલા કર્મચારીઓ ગંભીરતા દાખવી સાથે રહેવાના બદલે સ્થળ ઉપરથી ભાગી ગયા હતા. મ્યુનિસિપલ કંટ્રોલમાં આ ઘટનાની જાણ કરાતા અમારામાં આવતુ નથી અન્ય ઓફિસમાં જાણ કરો એમ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એડીશનલ સીટી ઈજનેર હીમાંશુ મહેતાએ કહ્યું કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બનેલી આ ઘટનાને લઈ નોટિસ આપવાની સાથે તેની સામે પોલીસ ફરિયાદ પણ વિભાગ તરફથી કરવામાં આવશે.






