ગુજરાતનો ગોઝારો સોમવાર: અકસ્માતની ચાર ઘટનામાં ત્રણ લોકોના મોત, બે ઘાયલ
અવારનવાર આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ, જેમાં રસ્તા પર નાનકડી ભુલના કારણે અકસ્માત થાય છે તો ક્યાંક બિસ્મા

અવારનવાર આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ, જેમાં રસ્તા પર નાનકડી ભુલના કારણે અકસ્માત થાય છે તો ક્યાંક બિસ્માર રસ્તાને કારણે કારણે કોઈના ભોગ લેવાય છે. ગુજરાતમાં જ આજે ચાર અલગ અલગ સ્થળો પર ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું જેમાં કોઈએ પોતાનો પ્રિયજન ગુમાવ્યો તો કોઈએ પોતાનો માલસામાન.
સુરતમાં ટ્રક પલટાઈને ઉંધી થઈ
સુરતના માંગરોળના સાવા ગામના પાટિયા પાસે એક ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે ટ્રકચાલકનો આબાદ બચાવ કરાયો હતો. નેશનલ હાઇવે પર મુંબઈથી અમદાવાદ તરફ આવતા રેતી ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી ટ્રક હાઈવેના ડીવાઈડર પર ચડી પલ્ટી મારી ગયું હતું. ટ્રકમાં ભરેલી બધી રેતી હાઇવે પર પથરાઈ ગઇ હતી જેને કારણે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. સુરત જિલ્લા NHAI અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને ટ્રકચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો.
નડિયાદમાં નશેડી સરપંચે સર્જયો અકસ્માત
નડિયાદ રીંગ રોડ પર બિલોદરા જેલ પાસે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત કરનાર બાગડું ગામના સરપંચ બળવંત સિંહ સોઢા હતા જેમણે કારની સાઈડ લાઈટ બતાવ્યા વગર જ ટર્ન લેતા અકસ્માત સર્જ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. નડિઆદ રૂરલ પોલીસે નશામાં ધૂત સરપંચની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથમાં હીટ એન્ડ રનનો બનાવ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં હિટ એન્ડ રનની ઘટના બની જેમાં એક બાઈક ચાલકને કચડી વાહનચાલક ફરાર થઈ ગયો છે. મૃતક વેરાવળના સિમાર ગામનો રહેવાસી હતો જે વેરાવળમાં ખીલ ખલાટ વાનનો ચલાવતો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે જેમાં ટ્રક અડફેટે મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેમજ વાહનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વેરાવળ બાયપાસ ચોકડી પરના ભયંકર વણાંકમાં છાસવારે અકસ્માત સર્જાય છે.
છોટા ઉદેપુરમાં એક વર્ષથી બિસ્માર રસ્તાએ લીધા 2નાં ભોગ
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના વડા તળાવ ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બે વિધાર્થિનીઓનું ઘટના સ્થળ પર મોત થયું તેમજ એક યુવાન ગંભીર હાલતમાં છે. વિધાર્થિનીઓ કોલેજથી પોતાના ગામે બાઇક પર જઈ રહી હતી જ્યાં આ અકસ્માત સર્જાયો હતો. છેલ્લા એક વર્ષથી બિસ્માર રોડને કારણે અકસ્માત થઈ રહ્યા છે. તંત્રમાં વારંવાર રોડ બનાવવાની લોકોએ રજૂઆત કરી છે. પાવી નજીક આવેલ ભારજ નદી પરનો બ્રિજ ધરાશાઈ થતા છોટાઉદેપુર અને વડોદરા તરફ જતા રસ્તાને આ રોડ પર ડાયાવર્ડજન આપવામાં આવ્યું છે.








