ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પરિણામને લઈ અનેક સ્થળો પર સર્જાયા મારામારીના દ્રશ્યો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં હતી. જ્યાં આજ

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં હતી. જ્યાં આજે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે ફરી ભાજપે જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત કર્યો છે. એવામાં ગુજરાતમાં કેટલાક સ્થાનો પરથી ચૂંટણીલક્ષી પરિણામ અંગે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
નવસારીમાં ભાજપના હારેલા ઉમેદવારે કોંગ્રસના ઉમેદવારને માર માર્યો
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રિઝલ્ટ છે અને ભાજપે ફરીથી ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો છે. એવામાં નવસારી જિલ્લામાં બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં હાર થતા ભાજપના ઉમેદવારના ટેકેદારો ભડક્યા હતા. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ ઓડના મળતીયાઓએ કોંગ્રેસના જીતેલા ઉમેદવારના માણસોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
વોર્ડ નંબર 2ના વિજેતા રામ બાબુ શુક્લાના માણસોને માર માર્યો હતો. મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપના ઉમેદવાર હરીશ ઓડની 1240 મત મળતા હાર થઈ હતી. હાર પચાવી ન શકતા ટેકેદારોએ વિજેતા કોંગી ઉમેદવારના માણસોને માર માર્યો હતો. નવસારીમાં 36 બેઠક પૈકી ભાજપને 29, કોંગ્રેસને 2 અને અપક્ષની 5 બેઠક પર જીત થઈ હતી.
દાહોદમાં ચૂંટણીનું પરિણામ જાહેર થતાં એક જ કોમના બે જુથ વચ્ચે બબાલ
ચૂંટણીમાં રિઝલ્ટને પગલે દાહોદમાં ચૂંટણીના પરિણામને લઈને બબાલ થઈ હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં બબાલ થઈ હતી. જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે થઈ બબાલ થઈ હતી. આ બબાલમાં ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કેટલાક લોકોએ પથ્થર મારો કર્યો હતો. પથ્થરમારાની ઘટનામાં ત્રણથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ બબાલને પગલે કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.
જૂનાગઢમાં પણ હાર-જીત મામલે આપ અને કોંગ્રેસ નેતા વચ્ચે બબાલ
જૂનાગઢમાંથી પણ બે જુથ વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. જેમાં ચિતખાના ચોકમાં નારેબાજી કરતા કેટલાક લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ચુંટણીમાં આઠ નંબર વોર્ડમાં કોંગ્રેસની જીત થતા આપના ઉમેદવારની હાર થઈ હતી જેથી બે ગ્રુપ વચ્ચે બબાલ થઈ હતી. જીતનું સરઘસ નીકળતા અને નારેબાજી કરતા ઝપાઝપી થઈ હતી. પોલીસની હાજરી હોઈ એક મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા છે જેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત હાલ સુધારા પર છે. આ મામલે ત્રણની અટકાયત કરવામાં આવી છે તેમજ ચૂંટણીના પરિણામને લઈ અંદરો અંદરની લડાઈમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.








