સુરત/ વરાછા ઝોન-Aમાં સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સને ઇજારદાર તાળા મારી ફરાર
સુરત મહાનગરપાલિકાએ પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશીપના ધોરણે ઘણા પ્રોજેક્ટ આપ્યાં છે. ત્યા

સુરત મહાનગરપાલિકાએ પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશીપના ધોરણે ઘણા પ્રોજેક્ટ આપ્યાં છે. ત્યારે એમ.પી. ફિટનેસ ક્લબ નામના ઇજારદારને વરાછામાં આવેલું સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્સ આપ્યુ છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો મિલકત વેરો અને પાણી બિલની 1 કરોડ કરતાં વધુ રકમ લાંબા સમયથી ઈજારદારે ભરપાઈ કર્યો નથી. આ કારણોસર સુરત પાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું. જેથી ઇજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી રફુચક્કર થઈ ગયો છે. જેથી આપ દ્વારા આ અંગે શાસક પક્ષ ભાજપ પર પ્રહાર કરતાં મળતિઓને મિજબાની કરાવાતી હોવાના આક્ષેપ કરાયા છે.
ઈજારદાર ગેરરીતિ આચરતો
આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કહ્યું કે, આજથી લગભગ છ - સાત મહિના પહેલા સામાન્ય સભામાં આ બાબતે ધ્યાન દોરાયું હતું. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઈજારદાર ગેરરીતીઓ કરી રહ્યો હતો. ઈજારદાર ફીના બોર્ડ પર કપડું ઢાંકી રાખતો હતો. સાથે જ ઇજારાની શરતના નિયમોને ઘોળીને પી જતો હતો.
ફી પરત કરાઈ નથી
સુહાગીયાએ વધુમાં આક્ષેપ સાથે કહ્યું કે, ભાજપના શાસકોની મહેરબાનીને કારણે આજે આ SMCને અને કેટલાય મેમ્બરોને ચુનો લાગ્યો છે. ભાજપનો આ વધુ એક મળતિયો ઇજારદાર રફુચક્કર થઈ ગયો છે. ઈજારદારે નોટિસ પણ લગાવી છે કે, અમારી સાથે અન્યાય થયો હોવાથી અમે આ પગલું ભર્યું છે. સાથે જ તમામ મેમ્બરને તેમની ફી પરત ચૂકવી દેવામાં આવશે. જો કે, હજુ સુધી કોઈને એક રૂપિયો પણ પરત ન મળ્યો હોવાના આક્ષેપ થયા છે.








