મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લ્યો બોલો: મેંદરડા પાસે છરીની અણીએ 36 કિલો વાળની લૂંટ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યા

અત્યાર સુધી સોના, ચાંદી, રોકડની લૂંટ થયા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હતા. પરંતુ જૂનાગઢમાં અજીબ લૂંટનો

લ્યો બોલો: મેંદરડા પાસે છરીની અણીએ 36 કિલો વાળની લૂંટ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યા

અત્યાર સુધી સોના, ચાંદી, રોકડની લૂંટ થયા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હતા. પરંતુ જૂનાગઢમાં અજીબ લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મેંદરડા નજીકની જામકા ચોકડી પાસે ત્રણ શખ્સોએ છરી બતાવી માનવ વાળની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

૩૬ કિલો વાળની કિંમત અંદાજે 1.44 લાખ થાય છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ સાવરકુંડલાના લીખાળા અને હાલ મેંદરડા રહેતા અને વાળ લે-વેચનો વ્યવસાય કરતા બાલુભાઈ વાઘેલા સાવરકુંડલાના લીખાળા ગામેથી 36 કિલો વાળનો થેલો લઈને  બાઈક પર મેંદરડા આવવા નીકળ્યા હતા. મેંદરડા નજીકની જામકા ચોકડી પાસે પહોંચતા અજાણી કારે બાઇકને ઊભું રખાવ્યું હતું. કારમાંથી ઉતરી ત્રણ શખ્સોએ છરી બતાવી વાળની લૂંટ કરી લીધી હતી. ૩૬ કિલો વાળની કિંમત બજારમાં અંદાજે 1.44 લાખ થાય છે. 

લૂંટનો ભોગ બનનારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન વાળની લૂંટ કરનાર કોડીનારના દલ આસિફ જુમા, શકીલ મહંમદ સોલંકી અને દીનું બાલુ સોલંકીની નતાડીયા નજીકથી ધરપકડ કરી હતી. 

પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા 

પોલીસના જણાવ્યા પ્રમાણે લાંબા વાળનું ખૂબ જ મોટું માર્કેટ છે વાળ લેવા માટે શેરીએ શેરીએ ફેરિયાઓ આંટા મારતા હોય છે. અને લાંબા વાળ એકઠા કરી તેને હોલસેલમાં ઉંચી કિંમતે વેચે છે. પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. 

આ સમાચાર શેર કરો