બિહારમાં રીલાયન્સ જ્વેલર્સ અને IPL ક્રિકેટરના પિતાને લૂંટનારનું પગેરું ગુજરાતમાં નીકળ્યુ, આ રીતે બે ઝડપાયા
બિહારના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરોડોની લૂંટ થઇ હતી. રી

બિહારના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરોડોની લૂંટ થઇ હતી. રીલાયન્સ જવલેર્સમાં બંદૂકના નાળચે આશરે પાંચ કરોડની લૂંટ તથા ધાડની ઘટના બની હતી. જેના બે ખૂંખાર આરોપીઓ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામ ખાતેથી પકડાયા હતાં. પલસાણા પોલીસે તેઓને પકડી પાડી લૂંટ તથા ધાડનો ગુનો ઉકેલી કાઢ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી ત્રણ જેટલા મોબાઈલ મળી 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બન્ને વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબ્જો સોંપવા માટે સુરત ગ્રામ્ય પોલીસએ બિહાર પોલીસને જાણ કરી દીધી છે.
IPL ક્રિકેટરના પિતાને લૂંટયા
ગત 28 મી ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે કલાક- આઠ વાગ્યાના સુમારે બિહારના સમસ્તીપુર ખાતે આવેલ રિલાયન્સ જવેલર્સમાં હથિયાર ધારી અજાણ્યા ઇસમોએ રીલાયન્સ જવેલર્સમાં ઘુસી ગયા હતા. ત્યાં તમામ માણસોને બંધક બનાવી રિલાયન્સ જવેલર્સમાંથી આશરે દસ કિલો સોનાના ઘરેણા તથા IPLક્રિકેટર અનુકૂલ રાયના પિતા એડવોકેટ સુધાકર રાયના રોકડા રૂપિયા છ લાખ મળી કુલ્લે રૂપિયા પાંચ કરોડ છ લાખની દિલધડક લૂંટ કરી હતી.
લૂંટ બાદ ગુજરાત આવી ગયા
બિહારના મુફસ્સીલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ ચાલુ હતી. લૂંટારુઓનું પગેરું ગુજરાતમાં સામે આવ્યું હતું. કેટલાક આરોપીઓ રાજ્યના સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં માહિતી સામે આવી હતી. ગુનો આચરનાર ખૂંખાર આરોપીઓ પલસાણા તાલુકાના બગુમરા ગામ ખાતે આવેલ સાંઇ શ્રધ્ધા રેસીડન્સીના ફ્લેટ નંબર- ૪૦૪માં રોકાયેલા હતા. જે હકીકત મળતા પલસાણા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
અગાઉ પણ લૂંટ ચલાવી હતી
ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ કુમાર ઉર્ફે કાલાનાગ પાસવાન તેમજ ગગનરાજ ઉર્ફે છોટા લોરેન્સના નામથી ઓળખાતા હતા. બન્ને પલસાણાના જોળવા ગામે આવેલ સાંઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં રહેતા અને મૂળ બિહારના હોવાનું સામે આવ્યું છે. બે આરોપીઓ પૈકી રાહુલ કુમાર જે કાલાનાગ તરીકે ઓળખાય છે. તેનો ભૂતકાળ પણ ગુનાહિત જ રહ્યો છે. જેની વિરુદ્ધમાં બિહારના હાજીપુર તેમજ લાલગંજ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તેમજ લૂંટ ધાડના ગુનાઓ પણ નોંધાઇ ચુક્યા છે.
લૂંટ માટે ક્રાઈમ વેબ સિરીઝ જોઈ આપતા અંજામ
આરોપીઓ લૂંટ કરતા પહેલા અલગ અલગ ક્રાઈમ વેબ સિરીઝ જોઈ લૂંટનો પ્લાન બનાવતા હતાં. લૂંટવાળી જગ્યાની છ મહિના સુધી સવાર સાંજ રેકી કરતા હતાં. ત્યારબાદ લૂંટને અંજામ આપતા હતાં. લૂંટ કર્યા બાદ એક કારમાં લૂંટ કરેલો તમામ મુદ્દામાલ તથા લૂંટમાં ઉપયોગમાં લીધેલા હથિયારો સંતાડી દેતા હતાં.બાદમાં દેશના અલગ અલગ રાજ્યમાં લૂંટ કરનાર માણસો રહેવા ચાલ્યા જતા હતાં. એક જગ્યાએ 15 દિવસથી વધુનું રોકાણ કરતા નહીં.








