મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિજાપુરમાં લુંટેરી દુલ્હન 4 દિવસમાં ભાગી ગઈ, 2.50 લાખ રૂપિયા લઈને એજન્ટ ફરાર

મહેસાણાના વિજાપુર વિસ્તારમાં લગ્નોત્સુક યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. લગ્નની લાલચમાં વધુ એક પરીવાર લૂંટાયો

મહેસાણાના વિજાપુર વિસ્તારમાં લગ્નોત્સુક યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. લગ્નની લાલચમાં વધુ એક પરીવાર લૂંટાયો છે. વિજાપુરા તાલુકા ફૂદેડા ગામે સુનીલભાઇ પટેલ અને તેની વિધવા માતા ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. સુનીલભાઇ પટેલના 43 વર્ષની ઉંમર થવા છતા લગ્ન થયા નહોતા. એવામાં માણસા તાલુકાના ધેધુ ગામના જશીબેન એજન્ટ બનીને સુનિલભાઈ પાસે આવ્યા. તેમના લગ્ન અમદાવાદની સાનિયા પટેલ સાથે કરાવી આપવાનું નક્કી કર્યું અને જેનાં બદલામાં 2.50 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા.

પરીવારના સભ્યો આ દુલ્હનને પોતાના ઘરે લઈ ગયા

સુનિલભાઈનો પરિવાર 43 વર્ષે લગ્ન થવાના હોવાથી ખુશખુશાલ હતો. એજન્ટને રૂપિયા આપી લગ્નનો દિવસ નક્કી કર્યો. સુનિલભાઈએ સાનિયા પટેલ સાથે મંદિરમાં ફૂલહાર કરીને હરખભેર લગ્ન કરી લીધાં. જો કે  લગ્નના ચાર દિવસ બાદ સાનિયાના પરીવારના સભ્યો આ દુલ્હનને પોતાના ઘરે લઈ જાય છે. ત્યારબાદ આજદિન સુધી પરત આવી નથી. એજન્ટ અને લુંટેરી દુલ્હન સહિતના તમામ સાગરિતોના ફોન નંબર બંધ છે. બધા ફરાર થઈ ગયા છે. 

બધાના ફોન સ્વિચઓફ આવતા ભાંડો ફૂટ્યો

સુનીલ પટેલે બધાને ફોન કર્યા પરંતુ બધાના ફોન સ્વિચઓફ આવતા પોતે ઠગાયો હોવાની જાણ થઈ. આ ભોગ બનનાર યુવાને લાડોલ પોલીસ મથકમાં સાનિયા પટેલ, ગંગીબેન, જસીબેન સહિત કુલ 4 ઠગો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ આદરી છે. મહેસાણા જિલ્લામાં લગ્નની લાલચમાં અત્યાર સુધી ઘણા લોકો લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા હશે. એવામાં વિજાપુરના ફૂદેડા ગામે વધુ એક યુવાન લગ્નની લોભામણી લાલચમાં ઠગાયો છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો